ગાંધીધામ, તા. 18 : માંડવીના મસ્કા એકેડેમી ક્રિકેટ
મેદાન પર કચ્છમિત્ર એન્કરવાલા કપમાં આજે મુંદરાની આગાખાન અને માંડવીની રામકૃષ્ણ હાઇસ્કૂલનો
વિજયનો દોર વણથંભ્યો રહ્યો હતો. બંને ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. મસ્કા ખાતે
આજે સવારની મેચ આગાખાન-મુંદરા અને સેવી ઇન્ટરનેશનલ પાંચ-બી ગાંધીધામ વચ્ચે યોજાઇ હતી.
મહિલા ક્રિકેટર રીના મોતાએ ટોસ ઉછાળતાં સેવી ઇન્ટરનેશનલે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનું
પસંદ કર્યું હતું. મોટા લક્ષ્ય સામે ઊતરેલી આગાખાનની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટ ખોઇને 117 રન ખડકી નાખ્યા હતા, જેમાં પ્રિયાંશુ શુક્લાના 48 રન તથા આયુષ ખોજાના 53 રન મુખ્ય રહ્યા હતા. સામે બોલિંગ
કરનાર સેવી ઇન્ટરનેશનલના પ્રતીક મોર્યાએ ચાર ઓવરમાં 17 રન આપી ત્રણ વિકેટ પાડી દીધી
હતી તેમજ રોહિત રાવતે ચાર ઓવરમાં એક વિકેટ ઝડપી હતી.લક્ષ્યાંકને પાર કરવા ઊતરેલી સેવી
ઇન્ટરનેશનલની ટીમે 19.3 ઓવરમાં 108 રન બનાવી પેવેલિયન ભેગી થઇ
જતાં આગાખાનનો વિજય થયો હતો. સેવી ઇન્ટરનેશનલના દીપક શર્માએ 30 રન, અંશસિંહએ 21 તથા યશ આહીરે 14 રન કર્યા હતા. સામે આગાખાનની
બોલિંગ દરમ્યાન મીતરાજ સોઢાએ 1.3 ઓવરમાં બે, ફરહાદ ખોજાએ ચાર ઓવરમાં બે, હેમ ભટ્ટે બે તથા આયુષ ખોજાએ બે વિકેટ પાડી દીધી હતી. સવારની આ મેચમાં મેન
ઓફ ધ મેચ આયુષ ખોજા, સેકન્ડ મેન ઓફ ધ મેચ પ્રતીક મોર્યા,
અન્ય સારો દેખાવ કરનાર પ્રિયાંશ શુક્લા રહ્યો હતો. મેચમાં અમ્પાયર તરીકે
દીપ પેથાણી, સૌમ્ય પટેલ તથા સ્કોરર તરીકે ધવલ મોતા, રીના મોતાએ સેવા આપી હતી. બપોર બાદ આ જ મેદાન ઉપર રામકૃષ્ણ હાઇસ્કૂલ માંડવી
અને સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ-મુંદરા વચ્ચે ટક્કર થઇ હતી. શાંતિલાલ પટેલે ટોસ ઉછાળતાં
ટોસ જીતી રામકૃષ્ણ શાળાએ બોલિંગ લેવાનું પસંદ કર્યું હતું. મોટા લક્ષ્ય આપવા સાથે મેદાનમાં
ઊતરેલી સેન્ટ ઝેવિયર્સે 18 ઓવરમાં 10 વિકેટ ખોઇને માત્ર 76 રન કર્યા, જેમાં ઝહીર તુર્કના 18 અને નાઝીમ સાંધના 15 રન મુખ્ય હતા. બોલિંગ કરનાર
રામકૃષ્ણની ટીમના દર્શિલ ગઢવીએ ત્રણ ઓવરમાં 25 રન આપી ચાર વિકેટ ઉખેડી નાખી હતી. નિશાંત પટાલિયાએ બે તથા આશિષ
ગઢવીએ ચાર ઓવરમાં 17 રન આપીને
ત્રણ વિકેટ પાડી દીધી હતી. ઓછા લક્ષ્યને પાર કરવા ઊતરેલી રામકૃષ્ણ માંડવીની ટીમે 8.5 ઓવરમાં એક વિકેટ ખોઇને લક્ષ્યાંક
પૂર્ણ કરી વિજય થયો હતો, જેમાં રાજેશ
મિત્રીના 50 રન, દર્શિલ ગઢવીના 13 તથા અંકિત ચંદેના છ રન મુખ્ય
રહ્યા હતા. સામે સેન્ટ ઝેવિયર્સના એકેય બોલરે વિકેટ લીધી નહોતી. આ મેચમાં મેન ઓફ ધ
મેચ દર્શિલ ગઢવી, સેકન્ડ મેન
ઓફ ધ મેચ ઝહીર તુર્ક, અન્ય સારો દેખાવ કરનાર આશિષ ગઢવી રહ્યો
હતો. અમ્પાયર તરીકે જયરાજ રાઠોડ, રીના મોતા, સ્કોરર તરીકે સૌમ્ય પટેલ, ધવલ મોતાએ સેવા આપી હતી.