ગાંધીધામ, તા. 18 : આદિપુરમાં દસ વર્ષ અગાઉ ટ્રાફિક
નિયમ ભંગ બદલ કેસ કરાયા પછી લાંચની રકમ માગનારા બે પોલીસ કર્મચારીને ત્રણ વર્ષની સખત
કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. આદિપુરમાં રહેતા શિવજી તેજા મહેશ્વરીને
ગત તા. 29/2/2015ના પોલીસે ટ્રાફિક નિયમ ભંગ
બદલ પકડી તેમની સામે ગુનો નોંધ્યો હતો. જે-તે સમયે પોલીસ કર્મચારી ફિરોઝખાન જુસબખાન
પઠાણે જાન જામીન પર છોડી દીધા હતા અને આ કેસના ફરિયાદી પાસેથી રૂા. 1000ની લાંચની માંગ કરી હતી, જેમાં રકઝકના અંતે રૂા. 500 સુધી વાત પહોંચી હતી અને આરોપીએ
તા. 30/1/ 2015ના સાંજે સાત-આઠ વાગ્યે પોલીસ
મથકે આવી આપી જવા તથા ડ્રાઇવિંગ લાયસન્સ લઇ જવા જણાવ્યું હતું. જે અંગે ફરિયાદીએ એ.સી.બી.માં
ફરિયાદ કરી હતી. ખરાઇ કરવા તા. 30/1ના બે સરકારી
પંચો સાથે રાખી વોઇસ રેકોર્ડની મદદથી આદિપુર પોલીસ મથકે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું
હતું, જેમાં ફરિયાદીએ પોતાના મિત્રના મોબાઇલથી ફિરોઝખાનનો
સંપર્ક કરતાં તેણે તા. 31/1ના આવવાનું
કહ્યું હતું, જેથી લાંચનું છટકું બાકી,
અનિર્ણિત રહ્યું હતું. તા. 31/1ના ફરિયાદી આ પોલીસકર્મી ફિરોઝખાનને રસ્તામાં મળતાં અને લાયસન્સની
માગણી કરતાં બપોરે 12 વાગ્યે પોલીસ
મથકે આવવા જણાવ્યું હતું. બપોરે બે સરકારી પંચો સાથે રાખી ડિજિટલ વોઇસ રેકોર્ડની મદદથી
ફરીથી લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. દરમ્યાન પોલીસકર્મીએ ફરિયાદીના ફરીથી જામીન
લઇ લાંચની રકમની માંગ કરી તે રકમ અન્ય પોલીસકર્મી વીરદેવસિંહ જયેન્દ્રસિંહ ઝાલાને આપી
દેવા જણાવ્યું હતું. લાંચની આ રકમ સ્વીકારી પેટીપલંગના ગાદલા નીચે મૂકી દેવામાં આવી
હતી. દરમ્યાન એ.સી.બી.એ આ બંનેને પકડી પાડયા હતા. આ કેસ અહીંની અધિક સેશન્સ જજ (વિશેષ એ.સી.બી.
જજ)ની કોર્ટમાં ચાલી ગયો હતો. કેસની ટ્રાયલ દરમ્યાન ફરિયાદી હોસ્ટાઇલ થયા હતા. તેમ
છતાં સરકાર તરફેના સાહેદો, દસ્તાવેજી
આધારો, વૈજ્ઞાનિક પુરાવાઓને તથા સરકારી વકીલની ધારદાર દલીલોને
ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને ફિરોઝખાન જુસબખાન પઠાણ તથા વીરદેવસિંહ જયેન્દ્રસિંહ ઝાલાને
તકસીરવાન ઠેરવવામાં આવ્યા હતા. બંનેને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા બંનેને
રૂા. 5000-5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ
એક માસની સજા, કલમ 12 મુજબ બંનેને ત્રણ વર્ષની સખત
કેદ તથા રૂા. 5000નો દંડ ન ભરે તો વધુ એક માસની
કેદ તેમજ 13 (1)ઘ તથા 13 (2)માં પણ ત્રણ વર્ષની સખત કેસ
અને 5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જો કે, આ સજા એકીસાથે ભોગવવાનો ન્યાયધીશ એ. એમ. મેમણે
આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કુ. હિતેષી પી. ગઢવીએ હાજર રહી સંપૂર્ણ
ટ્રાયલ દરમ્યાન ધારદાર દલીલો કરી હતી.