કોચી, તા. 18 : જેદ્દાહથી કોઝિકોડ જઇ રહેલા
એર ઇન્ડિયાના એક્સપ્રેસ વિમાનનાં ટાયર ફાટતાં ગુરુવારે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર
તાકીદનું ઊતરાણ કરવું પડયું હતું, જેમાં
160 મુસાફર યાત્રા કરી રહ્યા હતા.
કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે કહ્યું હતું કે, આઈએક્સ-398માં જમણી
તરફના લેન્ડિંગ ગિયર અને ટાયર ફેઇલ થઇ જવાનાં કારણે ઉડાનને કોચી વાળવામાં આવી હતી.
સીઆઇએએલના પ્રવકતાએ કહ્યું હતું કે, ઉડાનને સવારે 09.07 વાગ્યે તાકીદનું
ઊતરાણ કરાવાયું હતું અને બધી ઇમરજન્સી સેવાઓને પહેલાંથી જ સક્રિય કરી દેવામાં આવી હતી.
ઊતરાણ થઇ ગયા બાદ તપાસમાં ખરાઇ થઇ હતી કે, જમણી તરફના બંને ટાયર ફાટી ગયાં હતાં. આ ઘટનામાં કોઇ યાત્રી કે ક્રૂ મેમ્બર
ઘાયલ થયા હોય તેવું સામે આવ્યું નથી. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ફક્ત ટાયર જ ફાટયાં હતાં. લેન્ડિંગ ગિયરમાં કોઇ ખરાબી નહોતી.