નલિયા, તા. 18 : અબડાસા તાલુકામાં વીજતંત્રની
ઘોર બેદરકારીનાં પાપે નિર્દોષ પશુઓ અને નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાનો કિસ્સો
સામે આવ્યો છે. તાલુકાનાં નરેડી ગામની સીમમાં વાડી વિસ્તારમાંથી પસાર થતી 11 કેવીની વીજલાઈન અત્યંત નીચે
આવી ગઈ હોવાથી અને વૃક્ષોને અડીને પસાર થતી હોવાથી સર્જાયેલા અકસ્માતમાં એક બકરીનું
વીજશોકથી મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે
બકરીને શોધવા ગયેલો ગામનો યુવાન પણ જીવંત વીજવાયરના સંપર્કમાં આવતાં ગંભીર રીતે દાઝી
ગયો હતો. આ અંગે નરેડી ગામના સરપંચ રાયમા જુસબ હારુને વિગતો આપતા જણાવ્યું હતું કે,
નરેડી ગામના સીમાડામાં 11 કેવી વીજલાઈન પસાર થાય છે,
જેના તાર છેલ્લા ઘણા સમયથી સાવ નીચે આવી ગયા છે અને અનેક વૃક્ષો સાથે
અડકેલા હોવાથી આખી લાઈન જોખમી બની ગઈ છે. આ લટકતા વાયરો નીચેથી પસાર થતી એક બકરી અકસ્માતે
તારને અડી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દરમ્યાન આ બકરીને શોધવા માટે
ગામનો યુવાન જાવેદ સિધિક હજામ ત્યાં પહોંચતા તેને પણ જોરદાર વીજશોક લાગ્યો હતો અને
ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાવેદની સાથે રહેલા અન્ય યુવાને તાત્કાલિક ગામલોકોને જાણ કરતા
ગ્રામજનો દોડી આવ્યા હતા અને 108 મારફતે તેને સારવાર માટે ખસેડાયો હતો. યુવાનને પ્રાથમિક સારવાર
મંગવાણાની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ હાલ વધુ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે
કે, અબડાસા તાલુકાના અનેક ગામોમાં સીમ વિસ્તારમાં
વીજવાયરો ઝાડી-ઝાંખરાની વચ્ચેથી પસાર થાય છે અને તારો લટકી ગયા છે. જો કોઈ વ્યક્તિ
કે પશુ ભૂલથી પણ આ તારના સંપર્કમાં આવે, તો જીવ ગુમાવવાનો વારો
આવે તેવી સ્થિતિ છે. વીજતંત્ર દ્વારા સમયસર ઝાડી કટિંગ કરવામાં આવતી નથી કે તારને ઊંચા
લેવામાં આવતા નથી. ત્યારે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં તંત્ર સત્વરે જાગે અને મરંમતની
કામગીરી હાથ ધરે તે અત્યંત જરૂરી બન્યું છે.