• રવિવાર, 21 એપ્રિલ, 2024

પરિવર્તન અને વર્તન..

દેશમાં કેટલાંક રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ અને એ પછી આવતાં વરસે લોકસભાની સામાન્ય ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. કેન્દ્રમાં સત્તા ધરાવતો ભાજપ આત્મવિશ્વાસ્થ છે, તો વિરોધપક્ષ કેસરિયા સંગઠનને સત્તાથી દૂર કરવા તમામ પ્રયાસો કરી રહ્યો છે. રાજનીતિમાં સત્તાપક્ષ-વિપક્ષનો મતભેદ સામાન્ય બાબત છે અને તે દરેકે દરેક ચીજમાં વર્તાવા લાગ્યો છે. સોમવાર તા. 18થી 22 સપ્ટેમ્બર દરમ્યાન સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જૂની સંસદમાં કાર્યવાહી થશે અને 19મીએ ગણેશ ચતુર્થીના મંગળ દિવસે નવાં ભવનમાં કાર્યવાહીના શ્રીગણેશ થશે. સરકારે 17મીએ સર્વપક્ષીય બેઠકે બોલાવી છે. દેશનાં લોકતંત્ર માટે આ બદલાવ મોટી બાબત છે, પરંતુ ચર્ચા સંસદ ભવનના કર્મચારીઓના ગણવેશમાં ફેરફારને લઇને થઇ?રહી છે. મળતા હેવાલ મુજબ સંસદમાં ઉપસ્થિત રહેતા માર્શલ હવે સફારી સૂટને બદલે બદામી રંગના કૂર્તા-પાયજામા પહેરશે, મહિલા કર્મચારી નવી ડિઝાઇનની સાડી ધારણ કરશે. કર્મચારીઓનાં નવાં વત્ર પરિધાન નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ડિઝાઇન થયાં છે, જે મુજબ બંધ?ગળાંનો સૂટ ડાર્ક ગુલાબી રંગનાં નેહરુ જેકેટમાં બદલી જશે. શર્ટ ગુલાબી રંગનો હશે, તેના ઉપર કમળનું ફૂલ બનેલું દેખાશે, નીચે ખાખી રંગની પેન્ટ પહેરશે, બંને ગૃહના માર્શલ મણિપુરી પાઘડીમાં દેખાશે. એટલું જ નહીં, સંસદ ભવનની સુરક્ષામાં લાગેલો સ્ટાફ અત્યાર સુધી સફારી સૂટ પહેરતો, તેમને સૈનિક જેવો ગણવેશ આપવામાં આવશે. મોદી સરકારનો પ્રયાસ છે કે, દેશની સંસ્થાઓનું સંપૂર્ણ ભારતીયકરણ થાય. વિરોધપક્ષો વાંધો લે છે કે, કપડાં ઉપર કમળ શા માટે ? આ તો ભાજપનું પ્રતીક છે. અલબત્ત, સરકારનો જવાબ એ છે કે, કમળ રાષ્ટ્રીય ફૂલ છે. વિપક્ષના વાંધા ઉપર સરકાર ધ્યાન નથી દેતી. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર જ્યારે જ્યારે અભિપ્રાય પૂછે છે, ત્યારે વિરોધપક્ષ તરફથી નકારાત્મક પ્રતિક્રિયા જ અપાતી હોવાથી આ સ્થિતિ સર્જાય છે. હકીકતમાં આવા વ્યાપક બદલાવ સંસદીય બાબતો સાથે સંકળાયેલા દરેક સાથે ચર્ચા કરી, તેમના મત લીધા બાદ જ થવા જોઇએ. બંને ગૃહના સ્પીકર અને સભાપતિ, મહાસચિવોએ જ પોતાની રીતે નિર્ણય લીધો હશે, તો વિરોધપક્ષના વાંધાને મહત્ત્વ મળવું સ્વાભાવિક છે. પરિવર્તન સમય અને સૃષ્ટિની અનિવાર્ય પ્રક્રિયા છે, પરંતુ ફેરફાર કે બદલાવ સર્વસંમતિથી થાય તો તેનું મહત્ત્વ અને મૂલ્ય વધી જાય છે. આપણી લોકશાહીની એ મૂળભૂત ભાવના છે. સરકાર પાસે આ વિવાદ પર ખુલાસાની અપેક્ષા રહે છે. રાષ્ટ્રભાવના માટે જે કંઇ થયું હોય તેમાં છુપાવવા જેવું કશું જ ન હોઇ?શકે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang