નવી દિલ્હી,
તા. 9 : ઈરાન
બાદ લેબનોનમાં હિઝબુલ્લાહના બેઝ ઉપર હુમલા કરનારા ઈઝરાયલ ઉપર આરોપ છે કે તેણે યુદ્ધમાં
ગેરકાનૂની રૂપથી સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કર્યો છે. માનવાધિકાર સંગઠન હ્યુમન રાઈટ્સ વોચના
હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલે દક્ષિણી લેબનોનના એક ગામ ઉપર વ્હાઈટ
ફોસ્ફરસ ધરાવતા બોમ્બનો ઉપયોગ કર્યો હતો. સફેદ ફોસ્ફરસ ઓક્સિજનના સંપર્કમાં આવીને 800 ડિગ્રી સુધી તાપમાન પેદા કરી શકે છે. જેનાથી માણસનું
પૂરું શરીર ઓગળી શકે છે. હ્યુમન રાઈટ્સ વોચે સાત તસવીરને જીયોલોકેટ અને વેરિફાઈ કરીને
ઈઝરાયલ દ્વારા ગેરકાનૂની હથિયારના ઉપયોગનો દાવો કર્યો હતો. આ હુમલો એવા સમયે થયો હતો
જ્યારે ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનના ડઝનેક ગામના લોકોને વિસ્તાર ખાલી કરી દેવા ચેતવણી
આપી હતી. સફેદ ફોસ્ફરસ એક ખતરનાક રાસાયણીક પદાર્થ છે. જે સામાન્ય રીતે મીણ જેવું હોય
છે અને લસણ જેવી ગંધ ધરાવે છે. સફેદ ફોસ્ફરસ ઓક્સિજનના સંપર્કમાં આવતા જ આપોઆપ સળગવા
લાગે છ અને 815 ડિગ્રી સુધી
તાપમાન પેદા કરી શકે છે. સામાન્ય રીતે માણસનું શરીર 50-60 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે. તેવામાં 815 ડિગ્રી સુધીના તાપમાનનો હદ ઉપરાંત ગંભીર પ્રભાવ પડે
છે અને માસ, હાડકા સહિત પૂરા શરીરને ઓગાળી શકે છે. વધુમાં સફેદ ફોસ્ફરસથી
નીકળતો ધુમાડો ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે અને મૃત્યુનું કારણ પણ બની શકે છે. હ્યુમન
રાઈટ્સ સમર્થકો અનુસાર આંતરરાષ્ટ્રીય કાયદામાં વ્હાઈટ ફોસ્ફરસના ઉપયોગને ગેરકાનૂની બતાવવામાં આવ્યો છે.
લેબનોનના રિસર્ચર રામજી કૈસ અનુસાર ઈઝરાયલી સેના દ્વારા રહેણાંક વિસ્તારમાં વ્હાઈટ
ફોસ્ફરસનો ઉપયોગ ખુબ જ ચિંતાજનક છે.