• મંગળવાર, 10 માર્ચ, 2026

લખપત તાલુકામાં ચૂંટણીલક્ષી માહોલ ગરમાયો

માતાના મઢ, તા. 9 : જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સીટના ચેરમેન જાહેર થઈ ચૂક્યા છે. જો કે, સત્તાવાર ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી. તેની વચ્ચે બન્ને મુખ્ય પક્ષોએ ભાજપ અને કોંગ્રેસે લખપત તાલુકામાંથી ચૂંટણીની તૈયારીના શ્રીગણેશ કરી દીધા છે. તાલુકા પંચાયતની 16 સીટ તથા દયાપર અને પાનધ્રો જિલ્લા પંચાયતની સીટ માટે ઉમેદવારોનું મનોમંથન બન્ને પાર્ટીઓ દ્વારા આરંભી દેવાયું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા દયાપર ખાતે જિલ્લા પ્રભારી રામદેવસિંહ જાડેજા, પી.સી. ગઢવી, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઈબ્રાહીમ કુંભાર, જિલ્લા પ્રવકતા હુસેન રાયમા સહિતના અગ્રણીની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી, જેમાં લખપત તાલુકાની 16 સીટ ઉપર 30 જેટલા ઉમેદવારએ ટિકિટની માગણી કરી હતી.  જિલ્લા પંચાયતની દયાપર અને પાનધ્રો સીટ ઉપર કુલ છ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, તેવું તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઈબ્રાહીમ કુંભારે જણાવ્યું હતું. બીજી બાજુ કચ્છ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારી ફલજીભાઈ ચૌધરી તથા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ માતાના મઢે દેશદેવી મા આશાપુરાજીનાં દર્શને આવ્યા હતા. માતાજીનાં દર્શન બાદ જિલ્લા પ્રભારી શ્રી ચૌધરીએ લખપત તાલુકા ભાજપના પ્રમુખ, સંગઠન તથા કાર્યકારો, અગ્રણીઓ સાથે માતાના મઢે બેઠક યોજી હતી. આ બેઠકમાં લખપત તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની બે બેઠક ભાજપનાં ફાળે આવે તે દિશામાં મનોમંથન અને કાર્યકારો, હોદ્દેદારોએ ચર્ચા કરી હતી. બેઠકમાં તા. ભાજપ પ્રમુખ ગણપત મારાજ, મહામંત્રી જેતમલજી જાડેજા, નીતિનભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ ચાવડા, રામજીભાઈ ગોરડિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ સરદાર, જશુભા જાડેજા, મયૂરસિંહ જાડેજા, ભચુભા સોઢા, પુનિત ગોસ્વામી, ખીમજીભાઈ મોરારદાનભાઈ ગઢવી, મમુભાઈ રબારી, નથુભાઈ રબારી, જયંતીભાઈ ગરવા સહિતના કાર્યકારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક વિશે તા. ભાજપના મહામંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપના પ્રભારી ફલજીભાઈ ચૌધરી પહેલી વખત લખપતના પ્રવાસે આવ્યા છે. છેલ્લાં દસ વર્ષમાં લખપત તાલુકા પંચાયત ચૂંટણીમાં મતદારોનો ચુકાદો કોંગ્રેસ તરફી આવ્યો હતો, પણ આ પાંચ-પાંચ વર્ષની બન્ને ટર્મમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના અમુક સભ્યો કોંગ્રેસની વંડી ઠેકી ભાજપનો કેસરિયો ધ્વજ પકડી લેતાં અઢી-અઢી વર્ષ માટે લખપત તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા આવી હતી. ત્રીજા પક્ષના કાર્યકરોની સંખ્યા અહીં નહીંવત છે. છતાં લખપત તાલુકામાં ઓવૈશીની પાર્ટી એઆઈએમઆઈએમ તથા કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટી ચૂંટણી લડે તો મુખ્ય બન્ને પક્ષ ભાજપ અને કોંગ્રેસનું ગણિત ગોટાડે ચડી શકે તેમ છે, તેવું પણ મતદારો જણાવી રહ્યા છે.

Panchang

dd