• મંગળવાર, 10 માર્ચ, 2026

મોટા થાઓ, પરંતુ જમીન સાથે જોડાયેલા રહો...

ભુજ, તા. 9 : અહીં ચાલતી હનુમંત ચરિત્ર યુવા કથા અંતર્ગત  ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર અંજનીનંદન હનુમાનજીનો જન્મોત્સવ ભક્તિભાવ અને આનંદમય વાતાવરણમાં ઊજવવામાં આવ્યો હતો. હનુમાન જન્મોત્સવ નિમિત્તે કથાના વક્તા હરિપ્રકાશદાસજીએ પોતાના પ્રવચનમાં હનુમાનજીનાં ચરિત્રનું સુંદર વર્ણન કરતાં કહ્યું કે, `મોટા થાઓ, પરંતુ હંમેશાં જમીન સાથે જોડાયેલા રહો.' હનુમાનજી પોતે અતિ મહાન દેવતા હોવા છતાં ક્યારેય મોટા આસન પર બેસવાનો આગ્રહ રાખતા નથી અને હંમેશાં વિનમ્રતા અને સેવાભાવનું જીવન જીવતા હતા. આ દૃષ્ટાંત દ્વારા તેમણે શ્રોતાઓને વિનમ્રતા, સેવાભાવ અને સદાચારથી જીવન જીવવાની પ્રેરણા આપી હતી. હનુમાન જન્મોત્સવ હોવાને કારણે યુવાન-યુવતીઓ તથા સનાતન ધર્મપ્રેમીઓનો માનવ મહેરામણ ઊમટી પડયો હતો. ભારત-ન્યૂઝીલેન્ડનો ફાઇનલ જંગ હોવા છતાં યુવાનો કથામાં જોડાયા હતા. દસ હજારની બેઠક વ્યવસ્થા પણ ટૂંકી પડી હતી. સમગ્ર કથાસ્થળ ભક્તિમય વાતાવરણથી ગૂંજી ઊઠયું હતું. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ 5100 કિલો ચોકલેટનો અન્નકૂટ રહ્યો હતો. યજમાન પરિવાર રાજગોર હરિશંકર દેવજી અજાણી પરિવાર તથા કાનજી મૂળજી રાબડિયા (રાજકુમાર) પરિવાર દ્વારા પ્રસાદરૂપે 20 કિલોની વિશાળ કેક પણ રાખવામાં આવી હતી. સાથેસાથે અનેક ભક્તો દ્વારા પણ કેક લાવવામાં આવી હતી. બાળ હનુમાનની સેના દ્વારા અનોખો ઉત્સાહ અને ઉમંગ સર્જાયો હતો. ભક્તો ગરબાના તાલે ઝૂમી ઊઠયા હતા અને `જય હનુમાન'ની ગર્જનાથી સમગ્ર કથા સ્થળ ગૂંજી ઊઠયું હતું. તદુપરાંત ફૂલ અને ચોકલેટની વરસા કરવામાં આવી હતી. આતશબાજીથી અવકાશ પણ રંગબેરંગી બનાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્દ્રજિતાસિંહ જાડેજા, ગિરીશભાઈ જોશી (કચ્છ જિલ્લા વૈષ્ણવ સમાજ પ્રમુખ), કે.કે. હીરાણી, રવજીભાઈ ખેતાણી (આરએસએસ), સંદીપભાઈ શાહ (એડવોકેટ), ભરતભાઈ બી.એન., ચિરાગ કોઠારી, અરાવિંદભાઈ ઠક્કર, અને રાજભાઈ ગઢવી સહિતના અગ્રણીઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd