• મંગળવાર, 10 માર્ચ, 2026

આરબ સંઘર્ષથી દુનિયામાં ખાદ્ય સંકટની પણ ભીતિ

આજકાલ દુનિયામાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલાને લીધે ક્રૂડતેલની અછત અને ભાવવધારાની અસરોની ભારે ચર્ચા છે. ઈરાને આરબ દેશોને જે રીતે નિશાન બનાવ્યા છે તેનાથી સમૃદ્ધ આ દેશોમાં વિશ્વના આર્થિક હિતો તારાજ થવાનો ફડકો જાગ્યો છે. હવે આ ચિંતા જગાવતી યાદીમાં ખાદ્ય સલામતીની સામે ઊભા થઈ રહેલાં જોખમનો ઉમેરો થઈ રહ્યો છે. એક તરફ હોર્મુઝ સમુદ્રધૂનીને બંધ કરવાના ઈરાનનાં આક્રમક પગલાંથી દુનિયા માટેનો ચાવીરૂપ દરિયાઈ માર્ગ રુંધાયો છે, તો બીજી તરફ આરબ દેશો તેમાં પણ ખાસ તો કતારનું ખાતર ઉત્પાદન ઠપ થઈ ગયું છે. અખાતના દેશોમાં ક્રૂડતેલની સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે તેની સાથોસાથ યુરિયા, સલ્ફર અને એમોનિયાનું ઉત્પાદન બંધ જેવું થઈ ગયું છે. આજની આધુનિક ખેતીમાં ખેડૂતોના પરસેવાની સાથે ખાતર પણ ભારે મહત્ત્વ ધરાવે છે. તેમાં પણ દુનિયમાં સૌથી વધુ ખાતરનું ઉત્પાદન આ દેશોમાં થાય છે. ઈરાનની આડોડાઈને લીધે ખાતરનું ઉત્પાદન અને હોર્મુઝની ખાડી વાટેનું પરિવહન બન્ને ઠપ છે. હાલની કટોકટી પહેલાં આ ખાડીમાંથી દુનિયાના લગભગ 3પ ટકા ખાતરનું પરિવહન થતું હતું. હવે આ સ્થિતિ દુનિયાની ખેતી અને તેમાં પણ ખાસ તો અનાજ નાં વાવેતર માટે જોખમી બની ચૂકી છે. વાવણી થાય, પણ ખાતર ન મળે તો ઉત્પાદન નહીંવત બને એવી ભીતિ દુયિનમાં ખાદ્ય કટોકટીનો પડકાર સર્જી રહી છે. વળી વિશ્વના અનાજ ઉત્પાદક દેશો પાસેથી મોટાપાયે આયાત કરતા દેશો માટે હોર્મુઝની ખાડી બંધ થવાને લીધે માલની આવક બંધ જેવી થઈ ગઈ છે. ભારત સહિતના દેશોના બંદરો પર અનાજ સહિતના ખેત ઉત્પાદનોનો ભરાવો થઈ રહ્યો છે અને તેની આયાતનો ઓર્ડર કરનારા દેશોમાં માલની અછત ઊભી થઈ રહી છે. આમ હોર્મુઝની ખાડી ક્રૂડતેલની કટોકટીની સાથોસાથ દુનિયામાં અનાજ  સહિતના ખાદ્ય પદાર્થોની વિચિત્રિ સ્થિતિ સર્જી રહી છે. ભારત જેવા ખેતી પ્રધાન દેશો તેમની ખેતઊપજ માટે યુરિયા સહિતના ખાતર પર ભારે નિર્ભર રહે છે, પણ આરબ દેશોની કટોકટીએ વિવિધ પ્રકારના ખાતરનાં ઉત્પાદન અને પરિવહન બન્નેને ઠપ કરી નાખ્યા છે. સાઉદી અરેબિયા અને ખુદ ઈરાનથી આવતો પુરવઠો બંધ છે. કતાર યુરિયાનાં ઉત્પાદનની મોટી સુવિધા ધરાવે છે, પણ ઈરાનના ડ્રોન હુમલામાં તેના એક સંકુલને નુકસાન થતાં હવે કતારે તેનું ઉત્પાદન સાવ બંધ કરી નાખ્યું છે. યુરિયા, સલ્ફર અને એમોનિયાનું ઉત્પાદન અટકી જતાં દુનિયાના અને તેમાં પણ ભારતના કૃષિ ક્ષેત્રની સામે જોખમ ઊભું થઈ રહ્યંy છે. આમે ભારતમાં યુરિયાની સતત અછત રહેતી આવી છે. ગયાં વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળામાં ભારતે 70 લાખ ટન યુરિયાની આયાત કરી હતી.  તેમાંથી 40 ટકા હિસ્સો મધ્ય-પૂર્વના દેશોમાંથી આયાત થયો હતો. આવામાં ખેતીની નવી મોસમમાં યુરિયાની આયાત ઓછી થાય તો દેશની ખેતઊપજમાં પ0 ટકા જેટલો ઘટાડો આવી શકે તેમ છે. આમ થાય તો ક્રૂડતેલની સાથોસાથ ખેતપેદાશો સામેનું જોખમ પણ ચિંતાજનક બની રહેશે.

Panchang

dd