રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : ભારતનાં પૂર્વ
વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1975માં આંતરિક કટોકટી - ઇમર્જન્સી જાહેર કરી, ત્યારે દેશભરમાં વિરોધ
અને અંધાધૂંધી હતી અને આ સ્થિતિ પાછળ `િવદેશી હાથ' - અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઇએ હોવાનો સ્પષ્ટ આક્ષેપ હતો. ઈન્દિરાજીએ
તો જાહેરમાં કહ્યું હતું કે એમની હત્યાનાં કાવતરાં ઘડાઈ રહ્યાં છે. આ દરમિયાન ચીલીમાં
પ્રથમ વખત માર્ક્સવાદી સરકાર અને એજેન્દે પ્રમુખ બન્યા હતા. અમેરિકા અને મૂડીવાદ સામે
આ ગંભીર પડકાર હતો. અન્ય દેશોમાં પણ મૂડીવાદની હકાલપટ્ટી થવાની શક્યતા હતી. આખરે એજેન્દેની
હત્યા પાછળ સીઆઇએનો હાથ હોવાનું જગજાહેર હતું. અમેરિકા સોવિયેત સંઘની એકતા અને પડકાર
તોડવા માગતું હતું. 1971માં બાંગલાદેશની લડાઈ વખતે ભારતે સોવિયેત રશિયા સાથે વીસ વર્ષના મૈત્રી કરાર કર્યા.
પાકિસ્તાનની વહારે આવવા અમેરિકી નૌકાદળના સાતમા કાફલાનાં યુદ્ધજહાજો નીકળ્યાં હતાં, પણ
ભારતની દૃઢતા અને સોવિયેત સાથે સલામતી - મૈત્રીના કરાર થયા હોવાથી લીલાં તોરણે પાછાં
ફર્યાં હતાં. ભારત ઉપર નિક્સન અને હેન્રી કિસિંજરનો ગુસ્સો - દાઝ જાણીતી હતી,
પણ ઈન્દિરા ગાંધીએ ચીલીની ઘટના પછી કાવતરાંનો પર્દાફાશ કર્યો,
તેથી ભારતમાં સીઆઇએને સફળતા મળી નહીં. વડાપ્રધાન મોદી સામે પણ કાવતરાં
થયાં છે. વિદેશી સાથે સ્વદેશી હાથ જોડાયા છે, પણ કાવતરાંખોરો
હાથ સાથે માથાં ખંજવાળી રહ્યા છે. વિશ્વના દેશોમાં શક્તિશાળી શાસકોને હટાવવા - `પતાવી' દેવાનો અમેરિકી ઈતિહાસ છે! ઇરાકના સદામ હુસૈન
અને લિબિયાના ગદ્દાફીથી લઈને વેનેઝુએલાના પ્રમુખ - વડાપ્રધાનનું અપહરણ કરીને હાથમાં
બેડી પહેરાવીને ન્યૂયોર્કના રાજમાર્ગ ઉપર કેદીની જેમ પગપાળા કોર્ટમાં લઈ જવાયા. સદામ
હુસૈન સામે ડિસેમ્બર - 2003માં પકડીને `કાનૂની કાર્યવાહી' શરૂ
થઈ, ત્યારે એણે કહ્યું હતું : ગેરકાયદે રીતે મને પદભ્રષ્ટ કર્યો
છે. `હું હજુ ઇરાકનો
પ્રેસિડન્ટ છું.' પણ અમેરિકાની શક્તિ સામે કાનૂન - આંતરરાષ્ટ્રીય કાયદા પણ લાચાર
છે, ગુલામ છે ! અણગમતા દેશ અને નેતાને હટાવાયા છે. રિચાર્ડ નિક્સનથી
ડોનાલ્ડ ટ્રમ્પ સુધી આ `િવદેશનીતિ' રહી છે. એકમાત્ર વિયેતનામમાં હાર થઈ અને પીછેહઠ કરવી પડી,
કારણ કે ત્યાં ગેરીલા વોર સામે હાર અને માર ખાવો પડયો, ખમવો પડયો. અમેરિકામાં પણ લોકોએ આ યુદ્ધનો ભારે વિરોધ કર્યો હતો ! હવે વ્યૂહ
બદલાયો છે : સ્થાનિક સરકાર સામે લોકોમાં અસંતોષ અને વિરોધનો વંટોળ જાગે, લોકતંત્ર ખતરામાં હોવાની હો - હા જગાવાય ત્યારે જગત જમાદાર લોકતંત્ર બચાવવા
માટે આવે. શાસકનું અપહરણ કે હત્યા થાય, નવા અંગૂઠાછાપને બેસાડવામાં
આવે. અલબત્ત, પરિવર્તન પછી પણ આંતરિક વિરોધ અને બળવાની સ્થિતિ
શાંત થાય નહીં, હિંસાચાર વધે. આવા અનુભવ અને સ્થિતિ જોવા મળી
છે. અત્યારે ઇઝરાયલે ઈરાન ઉપર આક્રમણ કર્યું તે સમજી શકાય છે, પણ અમેરિકાએ આક્રમણ શા માટે કર્યું ? ટ્રમ્પે તાજેતરમાં
કહ્યું છે કે છેલ્લાં 47 વર્ષથી ઈરાન અમારું દુશ્મન રહ્યું છે. ધાકધમકીઓ આપી છે અને આતંકવાદ વધાર્યો છે.
હવે અણુબોમ્બની ધમકી પણ આપે છે ! ખામૈની મને (અમેરિકાને) ખતમ કરવા માગતો હતો, પણ
તેને જ `પતાવી' દીધો
છે ! ટ્રમ્પનો આ બચાવ અથવા દાવો ગળે ઊતરે એવો નથી. અમેરિકા માટે કોઈ તાત્કાલિક - રાતોરાત
હુમલો થવાનો હોય એવા કોઈ પુરાવા એમણે આપ્યા નથી. સંવાદ કે વિવાદ થયા નથી, પણ ઈરાનમાં રાજાશાહી નાબૂદ થયાના દાયકાઓ પછી મજહબી હકૂમત આવી તેની અસર અખાતના
અન્ય દેશોમાં લાગે એવી ભીતિ `શેખ રાજ પરિવારોને' હતી, તેથી ના રહેગા બાંસ,
ના બજેગી બાંસુરી...! ઈરાનમાં હકૂમત બદલવાની માગણી થઈ ! ઈરાન અણુસત્તા
બનીને અમેરિકાને ખતમ કરી શકે ? વિનાશક અણુશક્તિનો પ્રસાર રોકવો
હોય તો પછી પાકિસ્તાનના મુનીરને કેમ થાબડભાણાં કરાય છે ? `ઇસ્લામી બોમ્બ'નાં નામે પાકિસ્તાન ચરી ખાય છે, તેને રોકવાની જરૂર નથી ? `મામકા - પાંડવા', વહાલાં - દવલાંની ટ્રમ્પ નીતિ, ધૃતરાષ્ટ્ર દૃષ્ટિ ક્યાં સુધી ચાલી - ચલાવી શકાય ? ઈરાનમાં
આંતરિક વિરોધ, વિદ્રોહ ભડક્યો અને ખામૈનીએ સખત હાથે - અમાનુષી
શક્તિથી દબાવી દીધો - નરસંહાર કર્યો. આ પછી ટ્રમ્પે શાસન - શાસકો બદલવાની અને `આઝાદી'ની ખાતરી - વચન આપીને આક્રમણ કર્યું. 1970 - 71માં પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનમાં બંગાળીઓ
ઉપર કેવા અત્યાચાર કર્યા હતા ? લાખ્ખો લોકોને ભારતમાં હિજરત પછી આશ્રય મળ્યો
(ભારત આજે ભોગવે છે !) ત્યારે અમેરિકાને દયા આવી નહીં? પાકિસ્તાની
સેનાને બચાવવા માટે નૌકાદળનો કાફલો મોકલ્યો હતો ! લોકશાહીની ચિંતા કોને હતી?
ખેર, ઈતિહાસની પરવા કોને છે ? ઈરાનના સુપ્રીમ લીડર ખામૈની ખતમ થયા પછી ભારતના વડાપ્રધાન મોદી કેમ મૌન રહ્યા
? એવી ટીકા વિપક્ષી નેતાઓ કરી રહ્યા છે, પણ મૌનની
શક્તિની અસર જોવા મળી છે. આખરે ટ્રમ્પે રશિયન તેલની ખરીદી ઉપર મૂકેલી બંધી એક મહિના
માટે ઊઠાવી લીધી છે. રશિયા કે ભારતની માગણી નહતી. ટ્રમ્પે આપમેળે જાહેરાત કરી છે...
બંધી કરી ત્યારે અને ઊઠાવી લીધી ત્યારે પણ વિપક્ષ દુ:ખી છે. તો શું બંધી ચાલુ રહે અને
ભારતમાં ભાવવધારાના ભડકા થાય તો જ વિપક્ષ ખુશ થાય ? વિપક્ષોની
દૃષ્ટિ આપણાં રાજકારણ ઉપર છે : હત્યાના વિરોધમાં કાશ્મીરે બંધ પાળવાની જાહેરાત કરી.
ટ્રમ્પ અને નેતન્યાહૂનાં પોસ્ટર બાળ્યાં. ઓવૈસી અને કોંગ્રેસનાં સોનિયાજી અને જયરામ
રમેશે ભારતની તટસ્થ - સેક્યુલર વિદેશનીતિના લીરા ઊડયાની ટીકા કરી. આ પછી યોગ્ય સમયે
વિદેશ વિભાગના સચિવે ઈરાની એમ્બેસીની મુલાકાત લઈને દિલસોજી નોંધાવી છે. ઈરાનનાં યુદ્ધજહાજ
ઉપર ટોરપેડો છોડીને અમેરિકાએ ડૂબાવી દીધું તો રાહુલ ગાંધી કહે છે આપણાં આંગણે તોફાની
સમુદ્ર છે, પણ વડાપ્રધાન મોદી મૌન છે ! હકીકતમાં મોદીએ રાહુલને
પૂછવાની કે જવાબ આપવાની જરૂર નથી. ઈરાની નૌકાદળના સૈનિકો સમુદ્રમાં બચ્યા હોય તો તેની
તપાસ કરવા આપણું નૌકાદળ કામે લાગ્યું છે. અમેરિકાએ ભારતીય સમુદ્રની સીમા ઓળંગી નથી.
આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં ત્રીજા દેશોના મામલામાં આપણે દખલ કરી શકીએ નહીં, છતાં આ ઘટનામાં ભારતને સંડોવવાનું રાજકારણ છે. કાનૂની સ્થિતિથી અજાણ - અજ્ઞાત
નેતાઓ આવા મુદ્દા ઉઠાવી રહ્યા છે અને સાત દાયકા જૂની વિદેશનીતિના હવાલા આપી રહ્યા છે
! પશ્ચિમ એશિયામાં બદલાતા સંબંધ અને સમીકરણનો અભ્યાસ આ વિપક્ષી નેતાઓએ કર્યો છે?
અખાતના નાના - મોટા તમામ દેશો સાથે આપણા સંબંધ ગાઢ બની રહ્યા છે. પાકિસ્તાનની
વગ તદ્દન ધોવાઈ ગઈ છે, છતાં સાઉદીએ તેની સાથે સંરક્ષણ કરાર કર્યા
છે. ઇઝરાયલ અને યુએઈએ હાથ મિલાવ્યા છે. ભારત સહિત સાત દેશનું સંગઠન છે. ગલ્ફ કો - ઓપરેશન
કાઉન્સિલ સાથે ભારત વ્યાપારમાં સૌથી મોટું ભાગીદાર છે. સૌથી મોટી વાત એ છે કે અખાતના
દેશોમાં એક કરોડ જેટલા પ્રવાસી ભારતીયો છે અને સૌને સ્થાનિક શાસકોએ રક્ષણ અને સવલત
આપી છે. ભારતની પ્રાથમિકતા આપણા લોકો હેમખેમ સ્વદેશ ભેગા થાય તે છે. બીજી બાજુ,
ઈરાન સાથેના આપણા સંબંધ ઐતિહાસિક અને વ્યાપારમાં સારા હોવા છતાં ખામૈનીએ
આપણી કાશ્મીરનીતિ અને સંવિધાનના સુધારાની ટીકા અને વિરોધ કરી આપણી આંતરિક બાબતોમાં
દખલ કરી છે. આમ છતાં આપણે ઇઝરાયલ - અમેરિકાને અપીલ કરી કે સંવાદ અને ડિપ્લોમસીથી નિરાકરણ
કરો. ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન ઉપર આક્રમણ કર્યું, પણ ચીન અને
રશિયા આક્રમણને શાબ્દિક વખોડવાથી આગળ વધ્યા નથી. ચીન તો ઈરાનનું ક્રૂડ તેલ સૌથી વધુ
ખરીદે છે, છતાં સંયમ જાળવવાની સલાહ આપી છે. આયાતોલ્લા ખામૈનીની
હત્યાની ટીકા કરી છે, પણ અમેરિકાને પડકારવા તૈયાર નથી. રશિયાએ
પશ્ચિમી જગત ઉપર દબાણ કરવા માટે ઈરાન સાથે સંબંધ વધાર્યા છે. યુક્રેન સામે વપરાતાં
ડ્રોનની ટેક્નોલોજી ઈરાન પાસેથી મેળવી છે, પણ ઇઝરાયલ સામે યુદ્ધમાં
સંડોવાય નહીં તેની કાળજી રાખી છે. આ ઉપરાંત તુર્કી, નોર્થ કોરિયા
પણ મદદ કરવા આગળ આવ્યાં નથી ! અત્યારે સેક્યુલરવાદી રાજકારણ ભારતમાં ભલે હોય,
પણ પશ્ચિમ એશિયામાં સત્તાનું અર્થકારણ છે તે જાણવું અને સ્વીકારવું જોઈએ.
ટ્રમ્પને ડોલરની ચિંતા છે. અત્યાર સુધી જે દેશોએ તેલનાં વેચાણમાં ડોલરના બદલે સ્થાનિક
ચલણ અથવા સોનાંનું માધ્યમ રાખ્યું છે, તે શાસકોને `પતાવી' દેવાયા છે. ઘણા વાચકમિત્રો જાણતા હશે કે ભારતમાં
ઈન્દિરા ગાંધીના શાસનકાળમાં રશિયા સાથેનો વ્યાપાર રૂપિયામાં શરૂ થયો હતો અને આ માટે
સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનની સ્થાપના થઈ હતી. સમયાંતરે બધું સમેટી લેવાયું. હવે રશિયન
ક્રૂડની ખરીદી બંધ કરાવવા માટે ટ્રમ્પનું દબાણ તથા ટેરિફ આક્રમણ સમજી શકાય છે
? ઇઝરાયલ અને અમેરિકાના એરફોર્સની શક્તિ અજોડ છે. ચીનનાં શસ્ત્રો પણ
પાછાં પડે છે અને તેથી લડાઈમાં ઈરાનના પક્ષે જોડાવાની ઉતાવળ ચીનને નથી. રશિયા અને ચીન
બંનેએ આક્રમણને વખોડતાં નિવેદન ર્ક્યાં છે, પણ વિશ્વના કોઈ દેશ
હજી માથું મારવા તૈયાર થયા નથી. ભારત વડાપ્રધાન મોદીએ આરબ અમીરાત, કુવૈત, જોર્ડન વગેરેનો સંપર્ક સાધીને સંવાદ અને સમજૂતીનો
આગ્રહ ર્ક્યો છે, પણ લડાઈમાં ઊતરેલા નેતાઓ વાર્યા નહીં વરે,
તો હાર્યા પાછા ફરશે ? એક વાત નક્કી છે કે ઈરાન
અમેરિકાને હરાવી શકે નહીં. ઈરાન પણ જાણે છે, છતાં લડે છે. હકીકતમાં
ઈરાનનો વ્યૂહ લડાઈ લંબાવવાનો અને રણમેદાન વ્યાપક વિસ્તૃત બનાવવાનો છે. પશ્ચિમ એશિયામાં
જેટલા દેશોમાં અમેરિકાનાં લશ્કરી મથકો છે, તેના ઉપર ઈરાને હુમલા
જારી રાખ્યા છે. સાઉદી અરબનાં પાટનગર રિયાધમાં અમેરિકી એમ્બેસી ઉપર હુમલો કરીને ભારે
નુકસાન ર્ક્યું, છાપરાં પણ ઉડાવી દીધાં તે નાનીસૂની વાત નથી.
આખરે અમેરિકાએ એમ્બેસી બંધ કરી અને સમગ્ર પશ્ચિમ એશિયામાં અમેરિકન નાગરિકોને વિસ્તાર
છોડીને સલામતી શોધવા જણાવ્યું છે ! આખરે આ લડાઈમાં જીતશે કોણ ? ટ્રમ્પ તો કહેશે અમે કામ `પતાવી' દીધું કહીને ઘરભેગા થઈ જશે એમ ઈરાન માને છે ! આખરે વિશ્વનાં અર્થતંત્રની
હાર અને ખાનાખરાબી નિશ્ચિત છે, તે વાત સ્વીકારવા કોણ તૈયાર થશે
?