તંત્રી સ્થાનેથી.. : કચ્છની માટીમાં એક અજબનું ખમીર છે. અહીં
રણના સૂકા પવનો વચ્ચે પણ સર્જનના ફૂલ ખીલે છે. વર્ષોથી કચ્છની નારી તેના ઘરના ઉંબરામાં
રહીને ભરતગૂંથણ, રસોઈ અને અન્ય હુન્નર દ્વારા
પરિવારનો સ્તંભ બની રહી છે, પરંતુ ર1મી સદીમાં હવે સમય પાકી ગયો છે કે, આ સ્ત્રીશક્તિ ઘરના ઉંબરાને ઓળંગીને બજારની
આર્થિક ક્ષિતિજ સુધી પહોંચે. `કચ્છમિત્ર' દ્વારા
આયોજિત `સ્વાવલંબી નારી' અભિયાન માત્ર એક જાહેરાતનું પ્લેટફોર્મ નથી,
પણ એક સામાજિક ક્રાંતિનો શંખનાદ છે. ઘણીવાર આપણે મહિલાઓને માત્ર `ગૃહિણી'
તરીકે જ જોવાની ભૂલ કરીએ છીએ, પરંતુ સાચું પૂછો
તો દરેક સ્ત્રી જન્મજાત `મેનેજર' છે. તે મર્યાદિત સાધનોમાં ઘર ચલાવતા જાણે છે
અને હવે તે જ આવડતને વ્યવસાયમાં પરિવર્તિત કરી રહી છે. કચ્છની કેટલીય બહેનો આજે ઘરેથી
કેટારિંગ ચલાવે છે. બ્યૂટીપાર્લરનાં માધ્યમથી રોજગારી આપે છે કે, પછી હસ્તકલાના માધ્યમથી વિદેશી મુદ્રા કમાવવામાં નિમિત્ત બને છે. તેઓ માત્ર
ઘર ચલાવતી નારી નથી, તેઓ `વેલ્યૂ ક્રિએટર્સ' છે, જે શૂન્યમાંથી સર્જન
કરવાની તાકાત રાખે છે. કચ્છમિત્ર હંમેશાં જનતાનો અવાજ બની રહ્યું છે. આ અભિયાન પાછળનો
અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. જે બહેનો પાસે હુન્નર છે. પ્રોડક્ટ છે પણ પ્રચાર નથી. તેમને
એક ગૌરવપૂર્ણ મંચ આપવો. મહિલા દિવસ નિમિત્તે
એટલે જ કચ્છની છાત્રાઓના વિચારો, સફળ નારીની મુલાકાત,
સંઘર્ષ કરીને આગળ વધેલી પ્રોફેશનલ્સની પ્રેરણાકથા વણી લેવા ઉપરાંત જુદા-જુદા
હુન્નર અજમાવીને સ્વયં કમાણી કરતી બહેનોની નિ:શુલ્ક વિજ્ઞાપન પ્રસિદ્ધ કરી છે. સંદેશ
સ્પષ્ટ છે કે, જ્યારે એક સ્ત્રી આર્થિક રીતે સદ્ધર બને છે,
ત્યારે આખો પરિવાર અને અંતે આખું રાષ્ટ્ર સદ્ધર બને છે. આ `સ્વાવલંબન' જ સાચું સશક્તિકરણ છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા
દિવસ પર આપણે સંકલ્પ કરીએ કે, આપણે આ મહિલા ઉદ્યોગ સાહસિકોને
માત્ર પ્રોત્સાહન જ નહીં, પણ બજાર પણ આપીશું, તેમની સફળતાની વાર્તાઓ અન્ય હજારો દીકરી માટે પ્રેરણાનું ઝરણું બનશે. કચ્છની
નારી જ્યારે પ્રગતિની સવારી પર નીકળે છે, ત્યારે રણ પણ માર્ગ
આપે છે. યાદ રાખજો આત્મનિર્ભરતાનો આ માર્ગ જ આવતીકાલના સમૃદ્ધ કચ્છની પાયાની ઈંટ છે.