• મંગળવાર, 10 માર્ચ, 2026

ધોરડોની સાંજ ગુજરાતી સિતારાથી ઝગમગી ઊઠી

રામ અંતાણી દ્વારા : ધોરડો, તા. 9 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે, 8મી માર્ચની સાંજ ધોરડોના કચ્છ યાત્રા રિસોર્ટમાં ગુજરાતી ફિલ્મ સિતારાઓથી ઝગમગી ઊઠી હતી. દિગ્ગજ ગુજરાતી કલાકારોની હાજરીમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શન, એક્ટર ઓફ ધ યર જેવા વિવિધ એવોર્ડથી કલાકારોને સન્માનાયા હતા. એ સાથે છ જેટલી કચ્છી પ્રતિભાનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. તા. 7મીના સાંજે કચ્છ સંસ્કૃતિના કાર્યક્રમ બાદ રાત્રે સફેદ રણનાં સૌંદર્યને મધરાત સુધી આકંઠ પીનારા કલાકારોનો એવોર્ડની સાંજનો મૂડ તદ્દન અનોખો હતો. મસ્તી અને મજાક કરતા કલાકારો ખુલ્લા દિલે કચ્છ અને કચ્છનાં રણની પ્રશંસા કરતા થાકતા નહોતા. એક તબક્કે તો હિતુ કનોડિયા, મોના થીબા, શેખર શુક્લા અને ધર્મેશ વ્યાસ જેવા દિગ્ગજ કલાકારો તેમને ફાળવેલી જગ્યાના બદલે નજીકમાં આવેલા ખાટલા પર જ અડ્ડો જમાવીને બેસી ગયા હતા. કાર્યક્રમ દરમ્યાન ભાવુક પળ પણ આવી હતી. આયોજક અરવિંદ રૂપાલિયાએ શરૂ કરેલા રૂપાલિયા ફાઉન્ડેશન દ્વારા બાળકોને ફ્રી એજ્યુકેશન શરૂ કરાયું હોવાની ડોક્યુમેન્ટ્રી રજૂ થઇ હતી. તે પછી તેના ઉદ્દેશની વાત કરતાં તેઓ ભાવુક થઇ ગયા હતા અને સરકારની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓને આ કાર્યમાં સાથ આપવા અપીલ કરી હતી. તેમણે કલાકારોને પણ આ માટે સમય ફાળવવા વિનંતી કરી હતી, જેના જવાબમાં હિતુ કનોડિયાએ સહયોગ આપવાની જાહેરાત કરી હતી. એવોર્ડ સમારોહમાં લાલોનું પ્રખ્યાત ગીત દ્વારિકાનો નાથ પર ફિલ્મના કલાકારો મૌલિક અને કરને પરફોર્મન્સ આપ્યું હતું, તો હિતુ કનોડિયા અને મોના થીબાએ દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાને અંજલિ આપતાં ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું. પીનલ ઓબેરોય, સ્મિત પંડયા, મૌલિક ચૌહાણ, પાયલ પ્રજાપતિનું પરફોર્મન્સ પણ દાદ મેળવી ગયું હતું. એવોર્ડ સમારોહનું સંચાલન સૌનક વ્યાસ, પ્રાચી ઠાકર, પ્રેમ ગઢવી અને શૈલેશ પૂજારાએ રસપ્રદ રીતે કર્યું હતું. સમગ્ર આયોજનમાં વિકાસ છાંગા પણ સાથે રહ્યા હતા. એવોર્ડ સમારંભમાં કલાકારો ઉપરાંત કચ્છના અગ્રણીઓના હસ્તે પણ એવોર્ડ અપાયા હતા.  કચ્છ યુનિ.ના કુલપતિ મોહનભાઇ પટેલ, કચ્છમિત્ર વતી પૂર્તિ સંપાદક રામ અંતાણી, રમત-ગમત વિભાગના વડા દેવાંશી ગઢવી, ધોરડોના સરપંચ મિયાહુસેન, જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ પારુલબેન કારા, સ્વર એકેડેમીના પંકજ કનાડા અને આયોજક પરિવારના સભ્યો દ્વારા પણ વિવિધ એવોર્ડના વિજેતાઓને સન્માનાયા હતા. અન્ય એવોર્ડ મેળવનારાઓમાં યશ સોની અને જાનકી બોડીવાલાને આઇકોનિક એવોર્ડ અપાયો હતો, તો સૌનક વ્યાસને બેસ્ટ ડ્રામા ડિરેક્ટરનું સન્માન અપાયું હતું. કન્ટેન્ટ ક્રિએટર 2026 ચૈતાલી અને નીલ ચાવડાને, તો એન્ટરટેઇન્મેન્ટ જોડી જીતુ-મંગુ યુ-ટયુબ ચલાવતા જીતુ પંડયા અને ગ્રીવા કંસારાને અપાયો હતો. ટ્રેડિશનલ સિંગર સાંત્વની ત્રિવેદી તેમજ અરવિંદ વેગડાને એનાયત થયો હતો. એવોર્ડ સમારોહ દરમ્યાન મોટાભાગના કલાકારો મળતાંવેંત ઉમળકાથી હાથ મિલાવી નિખાલસપણે કચ્છ અને કચ્છમિત્રની પ્રશંસા વ્યક્ત કરતા હતા.

એક્સેલન્સ એવોર્ડ

બિઝનેસ : જાદવજી વિશ્રામ ગોરસિયા

હેલ્થ કેર : ડો. દેવેન જોગલ

સોશિયલ સર્વિસ : બાબુભાઇ હુંબલ, ત્રિકમદાસજી મહારાજ

આર્ટ : બિપિન સોની

સંગીત : કીર્તિ વરસાણી

એવોર્ડની યાદી

0              બેસ્ટ ફિલ્મ : લાલો

0              એક્ટર ઓફ ધ યર (મેલ) : કરન જોશી

0              એક્ટર ઓફ ધ યર (ફિમેલ) : પૂજા જોશી

0              ડિરેક્ટર ઓફ ધ યર : અંકિત અખિયા (લાલો ફિલ્મ)

0              બેસ્ટ ડેબ્યુટન્ટ એવોર્ડ (મેલ) : ભાવેન ભાનુશાલી (જલ્સો)

0              સપોર્ટિંગ રોલ (ફિમેલ) : મૈત્રી ત્રિવેદી

0              સપોર્ટિંગ રોલ (મેલ) : આર્જવ ત્રિવેદી-ચેતન ધનાણી

0              જ્યુરી ક્રિટિક એવોર્ડ (ફિમેલ) : પીનલ ઓબેરોય

0              જ્યુરી ક્રિટિક એવોર્ડ (મેલ) : મયૂર ચૌહાણ

0              જ્યુરી ક્રિટિક ફિલ્મ : મિસરી

0              પોપ્યુલર સોંગ : મનીષ શૈની

0              જ્યુરી ક્રિટિક ડાયરેક્ટર : રાહુલ ભોલે-વિનિત કનોજિયા

0              બેસ્ટ કોમિક રોલ : સ્મિત પંડયા

0              બેસ્ટ મ્યુઝિક કમ્પોઝર : સુમિત જય (લાલો)

0              પ્લેબેક સિંગર (મેલ) : જયસિંગ ગઢવી

0              પ્લેબેક સિંગર (ફિમેલ) : તૃપ્તિ ગઢવી

0              બેસ્ટ ગીતકાર : નીરેન ભટ્ટ અને ભાર્ગવ પુરોહિત

હિતુ કનોડિયાએ સુખી થવાની ચાવી બતાવી

લીજેન્ડ જોડીનો એવોર્ડ મેળવવા પત્ની મોના થીબા અને પુત્ર રાજવીર સાથે સ્ટેજ પર આવી  હિતુ કનોડિયાએ મહિલા દિવસ હોવાથી સુખી થવાની ચાવી બતાવતાં કહ્યું કે, રોજ સવારે ત્રણ વ્યક્તિને ચુંબન કરીને ઘરની બહાર નીકળજો એક માતાના ચરણોને, પત્નીના હાથને અને દીકરીનાં માથાંને ચુમીને જ કામની શરૂઆત કરશો, તો સુખી થતાં કોઇ રોકી નહીં શકે. સાથે ઊભેલા પત્ની મોના થીબાએ સૂર પૂરાવતાં કહ્યું કે, હિતુજી ખુદ પોતે પણ ઘરે રોજ આવું જ કરે છે. ભલે અમારે દીકરી નથી તો દીકરાનું માથું ચૂમી કામની શરૂઆત કરે છે.

Panchang

dd