40 ઓવરમાં 34 છગ્ગાની રમઝટ, 499 રનની તડાફડી
અને વિક્રમોની વણજાર વચ્ચે સૂર્યકુમાર યાદવની ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી
વધુ ચોથીવાર પહોંચવા સાથે પહેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ બની છે, જેણે ફાઇનલ સુધીની મજલ કાપી હોય. આ સાથે જ છેલ્લાં
પાંચ વર્ષમાં ભારત છઠ્ઠીવાર આઇસીસી સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યું છે. 2021 અને 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, 2023માં વન-ડે
વર્લ્ડ કપ પછી 2024માં ટી-20 વર્લ્ડ કપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ
હવે 2026માં ફરી ટી-20 વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી
ભારતે ક્રિકેટ વિશ્વમાં પોતાની સર્વોપરિતા પુરવાર કરી છે. ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાને
વિજય મળવાથી આખા દેશનો મૂડ સુધરી જતો હોય છે, પણ આ વખતે જે રીતે તથા જે પરિસ્થિતિઓનો સામનો કરી આપણા ક્રિકેટરોએ આ જીત મેળવી
છે એના કારણે દેશવાસીઓનો ઉત્સાહ બેવડાયો છે. ટીમની અંદર-બહાર થયા બાદ પ્લેઈંગ ઈલેવનમાં
તક નહોતી મળતી એવા સંજુ સેમસને પહેલી મસ્ટ વિન મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સ્પેશિયલ ઈનિંગ્સ
રમી અને પછી સેમિફાઇનલમાં યાદગાર રમત કરી. પહેલાં ખેલાડી તરીકે પોતાની અસુરક્ષિતતાની
ભાવનાની કબૂલાત અને પછી આ વિજય જસપ્રીત બુમરાહે ડેથ ઓવરમાં કરેલી બાલિંગને આભારી છે,
એમ કહી સંજુએ દેખાડી આપ્યું છે કે, માત્ર મેદાન
પર જ નહીં દિલથી પણ તે ધુરંધર ખેલાડી છે. 80 અને 90ના દાયકામાં
જીતેલી બાજી આપણી ટીમના હાથમાંથી સરી જતી, પણ હવે પરાજયના મોઢામાંથી વિજયને ખેંચી લાવવાની ક્ષમતા દરેક ખેલાડીમાં છે.
હવે, ભારત અને વધુ એક ટી-20 ચેમ્પિયનશિપના માર્ગમાં માત્ર
ન્યૂઝીલેન્ડ જ છે. ઈંગ્લેન્ડ સામેની સતત ત્રીજી ટી-20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં બીજી જીત મેળવી છે અને યોગાનુયોગ એવો
છે કે, આ બે ટીમ વચ્ચેની સેમિફાઇનલનો વિજેતા આગળ જતાં
ટ્રોફી પણ મેળવે છે. સંજુ સેમસનની બાટિંગ તથા ભારતના વિજયને કારણે ઈંગ્લિશ બેટ્સમેન
જેકબ બેથેલની ઝમકદાર સદી ફીકી પડી ગઈ. જો કે, અક્ષર પટેલના બે
અદ્ભુત કેચ અને જસપ્રીત બુમરાહની ડેથ બાલિંગ જેવી બાબતો મેચનું પાસું ભારતની તરફેણમાં
ફેરવવામાં નિમિત્ત બની એની નોંધ લેવાઈ છે. 253 રન કરવા છતાં ભારત માત્ર સાત રનથી જીત્યું એમાં વાનખેડેની પાટા
વિકેટ અને ટૂંકી બાઉન્ડ્રીઓ ઉપરાંત ટી-20માં બેટ્સમેનોના પ્રભુત્વને કારણે રમત કઈ રીતે એકતરફી થઈ ગઈ
છે, એની ચિંતા કરાવે છે. જો કે, ભારત માટે સારી વાત એ છે કે, કોઈ એક બેટ્સમેન પર આ ટીમ
નિર્ભર નથી અને દરેક મેચમાં વિવિધ ખેલાડીઓએ ટીમને વિજય અપાવવામાં યોગદાન આપ્યું હતું.
એનાથી પણ મહત્ત્વની વાત એ કે, ટીમ મેનેજમેન્ટે જે રીતે ખેલાડીઓની
ક્ષમતા પર વિશ્વાસ રાખી એક-બે મેચમાં નિષ્ફળતા પછી પણ તક આપવાની ધીરજ દાખવી. વિક્રમો,
વ્યક્તિગત સિદ્ધિઓ અને સફળતા કરતાં ખેલાડીઓ ટીમને વધુ મહત્ત્વ આપે છે,
એ સંસ્કૃતિનો વિકાસ સફળતાની ચાવી છે. નકારાત્મક પાસા પણ છે, જેમ કે, ભારત અત્યાર સુધી વર્લ્ડ કપમાં એકેય પરફેક્ટ
મેચ નથી રમ્યું, નબળા પ્રતિસ્પર્ધીઓ સામે પણ સંઘર્ષ કરવો પડયો
છે. જો કે, છઠ્ઠા બોલરની ઊણપ વર્તાઈ છે અને મોંઘી પણ પડી છે,
તો મિડલ ઓર્ડરમાં ઘણીવાર ધબડકો થયો છે. ટી-20 વર્લ્ડ કપની યજમાન ટીમ ચેમ્પિયન
બની નથી, છેલ્લે 2023માં ઘરઆંગણે ફાઇનલમાં ભારતને
નિરાશા સાંપડી હતી. જો કે, ગયાં વર્ષે
જ મહિલા ટીમ ઘરમાં વન-ડે વિશ્વ કપ વિજેતા બની છે. હવે રવિવારે વિશ્વ મહિલા દિન નિમિત્તે
સૂર્યાના વીરો ટી-20 વર્લ્ડ કપ
જીતે એવી આશા રાખીએ.