પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધનો ભાર આખરે ભારતમાં
સામાન્ય નાગરિકો ઉપર પડયો છે! પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક આપણા પાસે હોવાની ખાતરી
આપ્યા પછી કેન્દ્ર સરકારે રાંધણ ગેસ - લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ - એલપીજીના સિલિન્ડર
દીઠ રૂા. 60ના વધારાને મંજૂરી આપ્યા પછી ઓઇલ
માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ
કોર્પોરેશને અમલ શરૂ કર્યો છે. ભારતમાં રાંધણગેસ - એલપીજીના ગ્રાહકોની સંખ્યા 33 કરોડથી વધુ છે, પણ ઉજ્જવલા યોજના
હેઠળ આવતા લોકોને રૂા. 300ની
રોકડ સબસિડી અપાતી હોવાથી સિલિન્ડર દીઠ રૂા. 613 ચૂકવવાના
રહેશે. રાંધણગેસના ભાવ વધતાં મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર ભારણ વધે છે. રેસ્ટોરાં અને હોટેલો
માટે ગેસ મોંઘો પડશે, તેથી ગ્રાહકોને `બોનસ' આપીને એમના સિલિન્ડર ખરીદવાની પ્રવૃત્તિ
વધશે અને ગ્રાહકો માટે સિલિન્ડરની અછત વધે એવી શક્યતા છે, પણ
તેની સામે સરકારે એડવાન્સમાં પગલાં લીધાં છે. એસેન્સીઅસ કોમોડિટીઝ એક્ટ હેઠળ વધારાની
સત્તા મેળવીને તેલ રિફાઇનિંગ કંપનીઓને તાકીદ કરવામાં આવી છે કે, રાંધણગેસનું ઉત્પાદન વધારો અને એલપીજીનો ઉપયોગ પેટ્રોકેમિકલ પેદાશોના ઉત્પાદન
માટે થઈ શકશે નહીં. સરકારે એવો પણ નિયમ કર્યો છે કે, ગેસનો બાટલો
25 દિવસ પછી જ મળશે. રાંધણગેસના ભાવવધારા
સામે સંસદમાં વિરોધ થાય અને આગામી રાજ્યોની ચૂંટણીમાં વિપક્ષોને આક્રમક મુદ્દો મળશે.
મોંઘવારીનો મુદ્દો હવે વિપક્ષોની વહારે આવશે. આ ભાવવધારો આપણા પાડોશી દેશ-પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં થયેલા વધારાથી ઓછો હોવાની દલીલ થાય છે, પણ તેનાથી રાહત કે સાંત્વના મળે નહીં. વાસ્તવિકતા છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તમાન ભાવ છે તે ભારતમાં લાગુ પડાય તો સિલિન્ડર
દીઠ રૂા. 134 વધારવા પડે!
આપણા દેશની ત્રણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની ખોટ આ વર્ષે નવ મહિનામાં જ રૂા. 20 હજાર કરોડ હોવાનો અંદાજ છે. ગયા વર્ષે આ ખોટ 40 હજાર કરોડ હતી અને વર્ષાન્તે સરકારે 30 હજાર કરોડ ખાધ પૂરવા આપ્યા હતા. એલપીજીની આપણી જરૂરિયાતના
50 ટકા આયાત થાય છે અને તેના ભાવ સાઉદી કોન્ટ્રાક્ટ પ્રાઇસ
સાથે સાંકળવા પડે છે અને આ સાઉદી કોન્ટ્રાક્ટ પ્રાઇસ આ વર્ષે 466 ડોલરથી વધીને 542 ડોલર
થઈ છે! પણ ભારત સરકારે સ્વદેશી ભાવ અંકુશમાં રાખીને રાહત આપી છે. હવે પશ્ચિમ એશિયામાં
યુદ્ધ લંબાઈ રહ્યું છે અને હોર્મુઝ ખાડીની તંગદિલી જોતાં આ સ્થિતિમાં રાહત થવાની આશા
નથી. અખાત યુદ્ધની અસર દુનિયાના દેશોના અર્થતંત્રને પડશે. વેપાર-કારોબાર ઠપ થયો છે.
અખાત દેશોના બંદર સુમસામ છે અને કચ્છ-ગુજરાત કે દેશના બંદરો પરથી સમુદ્રી વ્યવહાર ખોરવાઈ
ગયો છે. હજુ લડાઈ કેટલી ચાલશે એ નક્કી નથી. ભવિષ્યના દિવસો વધુ ડરામણા હોવાની ભીતિ
સેવાઈ રહી છે.