પ્રાગપર (તા. મુંદરા), તા. 9 : મિડલ ઇસ્ટમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે અને ભારતમાં ડીઝલ-પેટ્રોલના
ભાવ ભડકે બળશે એવી સંભાવનાઓ ચાલી રહી છે, તેવા સમયે જ કચ્છમાંથી એક કોર્પોરેટ
ગૃહ દ્વારા રાહતજનક અને અન્યો માટે દિશા ચીંધતા સમાચાર આવ્યા છે. દેશના પ્રસિદ્ધ ઔદ્યોગિક
જિંદાલ ગ્રુપ દ્વારા તેના મુંદરા તાલુકામાં આવેલા વિવિધ યુનિટોથી અદાણી વેસ્ટ પોર્ટ
અને તેમના ત્રણ એકમ વચ્ચેના મટિરિયલ લોજિસ્ટિક પરિવહન માટે 37 ટનની વહન ક્ષમતાની હેવી ઈ-ટ્રકોના ઉપયોગનો આરંભ કરાયો
છે. જિંદાલ ગ્રુપના દેશમાં આવેલા અનેક એકમોમાં ઈ-પેસેન્જર બસોનો ઉપયોગ અગાઉ શરૂ થઈ
ચૂક્યો છે, પરંતુ લોજિસ્ટિક
ક્ષેત્રે પાઈલોટ પ્રોજેક્ટનો સોમવાર સવારે તેના કચ્છ સ્થિત યુનિટથી આરંભ કરાયો હતો.
જે કચ્છનું કોઈ પણ કંપની દ્વારા તેમના આંતરિક વિસ્તાર બહારનું મોટું ઈ-પરિવહન બની રહેશે.
આ પ્રસંગે કંપનીના પ્રેસિડેન્ટ અને સમાઘોઘા યુનિટ હેડ વી. રાજશેખરને જણાવ્યું હતું
કે, આજે પાંચ વાહનથી શરૂઆત થઈ છે અને ભવિષ્યમાં તબક્કાવાર વધુ
15 ઇલેક્ટ્રિક વાહનના સંચાલન સાથે
સંપૂર્ણ લોજિસ્ટિક અને કર્મચારી પરિવહન પણ ઈ-વાહનો દ્વારા કરીને પર્યાવરણ જતનની દિશામાં
પહેલ સાથે જિંદાલ ગ્રુપ કચ્છમાં હરિત ક્રાંતિ સર્જશે. ગ્રુપના પ્રાગપર સ્થિત યુનિટમાં
ઈ-ટ્રક પરિવહનના આરંભ અને આ માટે ખાસ નિર્મિત ઈ-ચાર્જિંગ સ્ટેશનમાં શાસ્ત્રોક્તવિધિથી
પૂજન તેમજ રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યા બાદ યુનિટ હેડ વી. રાજશેખરને કહ્યું કે, `નફો ગૌણ વસ્તુ છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે નવી
પેઢી માટે આપણે શું છોડી જઈ રહ્યા છીએ એ મહત્ત્વનું છે. કાર્બન ઉત્સર્જન ઘટાડા માટે
અનેક પગલાંઓ પૈકીની આ પહેલથી અમે ખુશી અનુભવી છીએ. કચ્છથી પાઈલોટ ઓપરેશન બાદ ગ્રુપમાં
દરેક સ્થાને ઈ-લોજિસ્ટિક વિસ્તારવાની યોજના છે. વધતી જરૂરિયાતને ધ્યાને લઈને રિન્યૂએબલ
પાવર ઉત્પાદન ક્ષેત્રે પણ આગળ વધશું. કંપનીના સિનિ. જીએમ (પ્રોક્યુરમેન્ટ) હર્ષદ પટેલે
કહ્યું કે, ખાસ કરીને પોર્ટથી
પ્રાગપર અને સમાઘોઘા તેમજ સમાઘોઘા પ્રાગપર વચ્ચે સપ્લાય ચેન ઇલેક્ટ્રિક વાહનો આધારિત
કરાયું છે. આ હેવી ઈ-ટ્રકો એકવારમાં દોઢ કલાકના ફૂલ ચાર્જિંગ બાદ 140 કિલોમીટર સુધી ચાલશે. આ પ્રસંગે ડીઆઈ હેડ બિપિન ધરવારકર, લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટના અંગરાજ સિંહા અને શંભુભાઈ જોશી, એડમીન હેડ રિષભ ખન્ના, એસજી ગ્રીન લોજિસ્ટિકના શ્રી શુક્લા, એડમીન વિભાગના વિનોદ
ચૌબે, પરાક્રમાસિંહ સરવૈયા વિગેરે સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ-કર્મચારીઓ
જોડાયા હતા.