• મંગળવાર, 10 માર્ચ, 2026

`સંગઠન એ ભાજપની કરોડરજ્જુ'

ભુજ, તા. 9 : કચ્છ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી તરીકે નિયુક્ત થયા બાદ આજે પ્રથમ વખત કચ્છ આવેલા ફળજીભાઈ ચૌધરીનું જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની સાથે જિલ્લા ભાજપના અગ્રણીઓની એક વિશેષ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ચૌધરીએ તેમની સામાજિક અને સેવાકીય કારકિર્દીનો પ્રારંભ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે કર્યા બાદ વર્ષ 1988થી 1990 સુધી વિદ્યાર્થી કાળમાં પાલનપુર શહેર એબીવીપીના નગર મંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. ત્યાર બાદ વર્ષ 1998થી 2002 સુધી સુરત જિલ્લા ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ બન્યા હતા. વર્ષ 2006માં અને ત્યાર બાદ પુન: 2017માં પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી તરીકે વરાયા હતા. વર્ષ 2021થી આજ સુધી કિસાન નેતા તરીકે તેઓ ભાજપ કિસાન મોરચાની રાષ્ટ્રીય કારોબારીમાં છે. સાથોસાથ દીવ-દમણ અને સેલવાસના કિસાન મોરચા પ્રભારી તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. બેઠકના પ્રારંભે નવનિયુક્ત પ્રભારી શ્રી ચૌધરીનું સન્માન જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકાસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઇ જોધાણી સહિતના અગ્રણીઓ દ્વારા કરાયું હતું. સન્માનનો પ્રતિભાવ પાઠવતાં ફળજીભાઈએ જણાવ્યું હતું કે, સંગઠન એ ભારતીય જનતા પાર્ટીની મુખ્ય કરોડરજ્જુ છે, જેના આધારે આજે આ પાર્ટી વિશ્વની સૌથી વિરાટ રાજકીય પાર્ટી બની છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, કાર્યકર્તાએ ભાજપ માટે પ્રાણ છે. વધુમાં શ્રી વરચંદે જણાવ્યું હતું કે, ફળજીભાઈ જેવા કિસાન નેતા કચ્છને પ્રભારી તરીકે મળતાં જિલ્લાની સંગઠનશક્તિમાં ચોક્કસપણે વધારો થશે. આ બેઠકમાં  જિલ્લા ભાજપના હોદ્દેદારો, મંડળ પ્રભારી-સહ પ્રભારીઓ, જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd