• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ગૃહની અંદર ઈ-ધૂમ્રપાન; સંસદની ગરિમાનું અપમાન

સંસદમાં કોઈ પણ વિષયની ચર્ચા દરમિયાન આક્ષેપબાજી, ઘોંઘાટ, ધાંધલ-ધમાલ, સૂત્રોચ્ચાર અને સભાત્યાગ સામાન્ય છે અને મર્યાદા ભંગ થાય નહીં ત્યાં સુધી સ્વીકાર્ય પણ છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં વિક્ષેપ કરતી ઘટનાઓ ઘણી નોંધાઈ છે. ગૃહમાં મરચાંની ભૂકી ઉડાવવાના બનાવ પણ જોવા મળ્યો છે. હવે નવી ઘટનાની ફરિયાદ થઈ છે. ભાજપના યુવા સાંસદે સ્પીકરને ફરિયાદ કરી છે કે, તૃણમૂલ કોંગ્રેસના એક સભ્ય ગૃહમાં કાર્યવાહી દરમિયાન ધૂમ્રપાન કરતા હતા. અલબત્ત, આ માનનીય સભ્યે `ઇ-સિગારેટ'નો લહાવો લીધો હતો. મૌખિક ફરિયાદ સાંભળ્યા પછી માનનીય સ્પીકર સાહેબે લેખિત ફરિયાદ માગી, જે આપવામાં આવી છે. અલબત્ત, ગૃહમાં છડેચોક બનેલી ઘટનાની આપમેળે નોંધ લઈને સ્પીકર - સંસદીય નિયમો અનુસાર પગલાં લઈ શક્યાં હોત, પણ આજકાલ સંસદમાં જે માહોલ છે તે જોતાં એમણે લેખિત ફરિયાદ લીધી છે. હવે ફરિયાદ સંસદની આચારસંહિતા સમિતિને મોકલવામાં આવશે અને નિશ્ચિત સમયમાં અહેવાલ આવ્યા પછી ગૃહને જાણ કરાશે. સંબંધિત માનનીય સભ્ય ભૂલ સ્વીકારીને ક્ષમાયાચના કરે તો પૂર્ણવિરામ, નહીં તો પૂર્ણ વિવાદ. સંસદના સભ્યોનું જ વર્તન અને વલણ જો એક સ્તરથી નીચે ઊતરે તો સામાન્ય જન પાસેથી શું અપેક્ષા રાખી શકાય અને રાષ્ટ્ર ઘડતરનું જે ધ્યેય છે તે કેવી રીતે સિદ્ધ થાય? ગૃહની અંદર એક સભ્ય ઇ-સિગારેટ ફૂંકતા હોવાની ફરિયાદ ભાજપના સંસદસભ્ય અનુરાગ ઠાકુરે કર્યા પછી ટીએમસી સાંસદ સૌગત રોય સંસદ પરિસરમાં સિગારેટ ફૂંકતા હતા તેનો વિરોધ થયો, પણ શરમ લાગવી જોઇએ! નાગરિકો માટે તો જાહેરમાં ધૂમ્રપાન નહીં કરવાનો કાયદો અમલમાં છે અને સાંસદ ઊઠીને સંસદ પરિસરમાં જ સિગારેટ ફૂંકે તે કેટલું યોગ્ય? હદ તો ત્યાં થાય છે કે જેમના ઉપર આરોપ છે તે સાંસદે દલીલ કરી કે, મારી એક સિગારેટથી પ્રદૂષણ નહીં થાય. દિલ્હીના પ્રદૂષણની ચિંતા કરો. જાહેર સ્થળોમાં ધૂમ્રપાન પ્રતિબંધિત છે. સંસદ પરિસરમાં આ પ્રવૃત્તિ હોય જ નહીં. શિયાળુ સત્રના પ્રથમ દિવસે સાંસદ રેણુકા ચૌધરી શ્વાન લઈને સંસદ ભવન પહોંચ્યાં ત્યારે પણ વિવાદ થયો હતો. તેમણે એવું કહ્યું હતું કે, કરડે તેવા શ્વાન તો સદનની અંદર બેસે છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે, સાંસદને શ્વાન કહેવા તે શ્વાનનું અપમાન છે. વિધાનસભા કે સંસદનાં ગૃહો લોકશાહીનાં મંદિર કહેવાય છે. આ સ્થળની ગરિમા જળવાવી જોઈએ, અંદર અને બહાર પણ. ધૂમ્રપાનની ફરિયાદ પછી વિપક્ષ - કોંગ્રેસના એક સભ્યે સ્પીકરને ફરિયાદ કરી છે કે, વિપક્ષી નેતા રાહુલ ગાંધી જ્યારે બોલી રહ્યા હતા, ત્યારે ભાજપના એક સિનિયર નેતા `રાજાપાઠ'માં - નશો કરીને ગૃહમાં આવ્યા હતા. એમના હાવ-ભાવ અને થોથવાતી જીભ સૌએ જોઇ છે. કોંગ્રેસી સભ્યે કહ્યું છે કે, ગૃહની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ થાય છે તે પુરાવો છે. સંસદના સભ્યો માટે આચારસંહિતા હોય છે, જેની લેખિત પ્રતમાં આચાર અને વાણીની મર્યાદા વર્ણવાઈ છે. ચર્ચા દરમિયાન ભાષાની સભ્યતા અને મર્યાદા હોવી જોઇએ. કોઈ સભ્ય `જૂઠું' બોલે છે એમ કહેવાય નહીં, સત્યથી વેગળું બોલે છે એવા શબ્દપ્રયોગ થવા જોઇએ, પણ વ્યવહારમાં આવી મર્યાદા અને શિસ્ત કોણ જાળવે છે? હવે ઈ-સિગારેટ સામે નશાખોરીનો મુદ્દો આવ્યો છે, ત્યારે માનનીય સભ્યો આચાર-વિચારની મર્યાદા જાળવે છે કે નહીં તે જોવાનું છે !

Panchang

dd