• મંગળવાર, 03 માર્ચ, 2026

ઉનાળાના આગમન સાથે જ કચ્છ પર તોળાતું જળસંકટ

ભુજ, તા. 2 : ઉનાળાનાં મંડાણ થઈ ચૂકયાં છે ત્યારે ગરમીની શરૂઆત સાથે જ કચ્છના મધ્યમ સિંચાઈના ડેમોમાં પાણીનું સ્તર ઝડપથી ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. હાલ જિલ્લાના 20 ડેમોમાં 39 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. માર્ચ માસમાં જ આ સ્થિતિ હોય તો હજુ તો ચોમાસું બેસવાના આડે ચાર મહિના જેટલો સમય બાકી છે ત્યારે જેમ-જેમ સમય આગળ ધપશે તેમ-તેમ જળસંકટની સ્થિતિ વિકટ બનતી જશે. રાજ્યના પાંચ ઝોન પૈકી સૌથી ઓછો જળસંગ્રહ કચ્છમાં થયો છે. હાલની સ્થિતિએ જિલ્લાના પાંચ ડેમો તળિયાઝાટક થઈ ગયા છે. બાકીના ડેમોમાં જળસંગ્રહની સ્થિતિ કયાંક સારી, તો કયાંક નબળી જોવા મળી રહી છે.

જળસંગ્રહની સ્થિતિ

રાજ્યમાં મધ્યમ સિંચાઈના ડેમોને પાંચ ઝોનમાં વિભાજિત કરાયા છે. સત્તાવાર રીતે મળેલા આંકડા અનુસાર પાંચ પૈકી હાલ કચ્છ ઝોનમાં સૌથી ઓછું 39.81 ટકા પાણી બચ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના ડેમોમાં 62, મધ્ય ગુજરાતના ડેમોમાં 80, સૌરાષ્ટ્રના ડેમોમાં 60 અને દક્ષિણ ગુજરાતના ડેમોમાં 79 ટકા જેટલો જળનો જથ્થો ઉપલબ્ધ છે.

પાંચ ડેમ ખાલી

છેલ્લા કેટલાંક વર્ષોથી સતત વરસતા સારા વરસાદનાં કારણે કચ્છમાં ડેમો છલકાવવાનું પ્રમાણ વધ્યું છે. જો કે, જિલ્લાની ભૌગોલિક સ્થિતિ સહિતના પરિબળોનાં કારણે જેટલા ડેમો ઝડપથી ભરાય છે તેટલું જ ડેમોનું જળસ્તર પણ ઘટે છે. કચ્છના 20 ડેમમાં 32પ.26 મિલિયન કયુબિક મીટરની કુલ જળસંગ્રહ ક્ષમતા સામે હાલ 129.0 મિલિયન કયુબિક મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કાલિયા, રુદ્રમાતા, કાસવતી, નિરોણા, અને ગજોડ એ પાંચ ડેમ એવા છે કે જેમાં 20 ટકાથી ઓછું પાણી બચ્યું છે. એટલ કે, આ ડેમોમાં જીવંત જળરાશિ નામમાત્રની ઉપલબ્ધ હોતાં ડેમો તળિયાઝાટક અવસ્થામાં આવી ગયા છે.

જળસંગ્રહ ક્ષમતા વધારવા યોગ્ય આયોજન જરૂરી

કચ્છમાં વરસાદ વરસવાનું પ્રમાણ વધ્યું છે ત્યારે મધ્યમ અને નાની સિંચાઈના ડેમોની જળસંગ્રહ ક્ષમતા વધારવા યોગ્ય આયોજન હાથ ધરવું જરૂરી બની ગયું છે. કચ્છને નર્મદાનુ વધારાનું  પાણી મળવાનું છે ત્યારે આ ડેમો બારેમાસ ભરાયેલા રહે તેવું આયોજન ગોઠવવું ઈચ્છનીય બની ગયું છે.

Panchang

dd