દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભ્રષ્ટાચાર - વિરોધી - આમ આદમી
પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલ, એમના
સાથી પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સિસોદિયા અને અન્ય એકવીસ વ્યક્તિને શરાબની જકાતનીતિના
ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હીની અદાલતે નિર્દોષ જાહેર કરીને ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત
કોંગ્રેસ નેતાઓને મોટો આઘાત આપ્યો છે! કેજરીવાલ આરોપમુક્ત થયા, પણ સીબીઆઇ અને ઇડી સામે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ઉપર ગંભીર આક્ષેપ
થયા છે. કેજરીવાલને કાનૂની અદાલતે `કટ્ટર ઇમાનદાર' ઠરાવ્યા પછી હવે તેઓ જનતાની અદાલતનો ચુકાદો માગવા તત્પર છે. દિલ્હી વિધાનસભાની
ચૂંટણી નવેસરથી કરાવવાની માગણી કરી છે, પણ એમની નજર ગુજરાત ઉપર
છે : ગુજરાતમાં મોદી અને અમિત શાહને પડકારવા માગે છે. કોંગ્રેસના નેતા કહે છે કે,
ભાજપ અને કેજરીવાલનું કાવતરું કોંગ્રેસ સામે છે! સીબીઆઇ હાઈકોર્ટમાં
અપીલ કરે અને કદાચ ફાવે તો પણ જનતાની લોકઅદાલતનો ચુકાદો અલગ હોઈ શકે છે. હવે તમામ રાજકીય
પક્ષો - વિશેષ કરીને ભાજપ સામે કેજરીવાલના `ડબલ એન્જિન'નો પડકાર હશે. કાનૂની અદાલત અને લોકઅદાલત. હવે રાષ્ટ્રીય રાજકારણ અલગ હશે.
અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પછી અરવિંદ કેજરીવાલે દેશભરમાં ભ્રષ્ટાચાર
વિરોધી નેતાનું સમ્માન મેળવીને સત્તાના રાજકારણમાં સ્થાપિત રાજકીય પક્ષો સામે ગંભીર
પડકાર ફેંક્યો હતો. વર્ષ 2015માં દિલ્હી
વિધાનસભાની માત્ર ત્રણ બેઠક ભાજપને મળી હતી અને 2020માં માત્ર આઠ બેઠક મળ્યા પછી ભાજપની નેતાગીરી સફાળી ચોંકી ગઈ
હતી. આ પડકાર તમામ - ચીલાચાલુ રાજકીય પક્ષોને હતો,
પણ ભારતીય જનતા પક્ષે - 2014માં કોંગ્રેસને સત્તાભ્રષ્ટ કરીને દેશભરમાં જબરદસ્ત લોકપ્રિયતા
મેળવી હતી અને એક જ વર્ષમાં - 2015માં દિલ્હીમાં
અરવિંદ કેજરીવાલ નામના નવા નિશાળિયાએ ભાજપને કારમો આઘાત આપ્યો. દિલ્હીમાં દાયકાઓ સુધી
રાજ કરનાર કોંગ્રેસ માટે તો કોઈ આશા જ રહી નહોતી. ભાજપ સહિત કોંગ્રેસને પણ આશા ન હતી
- કેજરીવાલને ચૂંટણીનાં રણમેદાનમાં પરાસ્ત કરવાની! સૌ માટે ભવિષ્યનો સવાલ હતો ત્યારે
કોંગ્રેસના પ્રાદેશિક નેતાએ શરાબનીતિમાં હૈદરાબાદના કેટલાક શખ્સો સાથે ભ્રષ્ટાચાર કર્યાનો
આક્ષેપ કર્યો અને ભાજપે આ મુદ્દો ઉઠાવી લીધો. સીબીઆઇ દ્વારા તપાસ શરૂ થઈ અને એક રાજ્યના
મુખ્યપ્રધાન જેલવાસ ભોગવતા થયા. જેલમાં રહીને એમણે પત્નીને બોલાવીને સૂચનાઓ આપી અને
સરકારી ફાઇલો ઉપર સહી પણ કરી તેથી નવો વિવાદ શરૂ થયો કે એમણે રાજીનામું આપવું જોઈએ.
આખરે જેલમાંથી છૂટયા, પણ સરકારી
કાર્યાલયમાં નહીં જવાની, ફાઇલો ઉપર સહી નહીં કરવાની શરત હતી.
ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરનાર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયા પછી આરોપ થયા અને ભ્રષ્ટાચારનાં
નામે ચૂંટણીમાં સત્તાભ્રષ્ટ પણ થયા. આમ છતાં દિલ્હીથી દૂર પંજાબમાં આમ આદમી પાર્ટીએ
સત્તા મેળવી અને કોંગ્રેસ ઉપરાંત અકાલી દળને પણ સત્તાથી દૂર રાખ્યા. હવે દિલ્હીની નીચલી
અદાલતે એમને માન-મરતબા સાથે મુક્ત કર્યા પછી એમણે કટ્ટર ઇમાનદાર હોવાનો દાવો કર્યો
છે. કોર્ટના ચુકાદા પછી હવે `આપ' અને કેજરીવાલ
દેશભરમાં યાત્રા કરશે અને સ્થાપિત રાજકીય પક્ષો સામે `જેહાદ'
જગાવશે. એમને બેવડું બળ મળ્યું છે. રાજકારણને કાનૂની અદાલતનું પીઠબળ
મળ્યું છે તેથી હવે તેઓ `અશ્વમેધ યજ્ઞ' કરવા નીકળે તો આશ્ચર્ય નહીં થાય. કેજરીવાલના
પ્રથમ નિશાના ઉપર ગુજરાત હશે. ગુજરાતમાં કોંગ્રેસ નબળી હોવાથી ભાજપના વિકલ્પ બનવા માટે
એમનું લક્ષ્ય છે.