• મંગળવાર, 03 માર્ચ, 2026

`મહાયુદ્ધ'માં સ્પેન-બ્રિટનનો અમેરિકાને આંચકો

નવી દિલ્હી, તા. 2 : મધ્ય-પૂર્વનાં લોહિયાળ યુદ્ધથી ખાડી દેશોમાં પણ ખળભળાટ મચી ગયો છે, ત્યારે સોમવારે પણ સામસામા ઘાતક હુમલાઓ વચ્ચે ઈરાન સામે યુદ્ધ છેડનાર ઈઝરાયલની પડખે પહોંચી આવેલાં અમેરિકાને આજે સ્પેન અને બ્રિટને ઝટકા  આપ્યા હતા. ઈરાન પર આક્રમણ બાદ સ્પેને અમેરિકાને પોતાનાં સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની છૂટ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ, દક્ષિણ સ્પેનના રોટા અને મોરોન એરબેઝથી 15 અમેરિકી વિમાન પાછાં રવાના થઈ ગયાં હતાં. સ્પેનના વિદેશમંત્રી જોસે અલ્વારેસે સ્પષ્ટ કહી દીધું હતું કે, સ્પેનીશ એરબેઝનો ઈરાન સામે કાર્યવાહી માટે ઉપયોગ કરવા નહીં દેવાય. બીજી તરફ, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું હતું કે, અમારો દેશ અમેરિકા અને ઈઝરાયલનાં ઈરાન સામે યુદ્ધમાં સામેલ નહીં થાય. અમારો ફેંસલો લાંબા સમયથી મિત્રદશો અને સહયોગિની આત્મરક્ષા તેમજ બ્રિટિશ નાગરિકોની સુરક્ષા પર આધારિત છે, તેવું બ્રિટિશ વડાપ્રધાને કહ્યું હતું. જો કે, સ્ટાર્મરે મર્યાદિત છૂટ આપતાં કહ્યું હતું કે, બ્રિટને અમેરિકાને પોતાનાં સૈન્ય મથકોના સીમિત ઉપયોગની છૂટ આપી છે. અમેરિકાને અમારાં મથકો પરથી માત્ર ઈરાનનાં ઠેકાણાંઓને નિશાન બનાવવાની પરવાનગી હશે. દરમ્યાન, યુદ્ધના ત્રીજા દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમે હજુ પૂરી તાકાતથી હુમલા શરૂ નથી કર્યા. સૌથી મોટો હુમલો હજુ બાકી છે. બીજી તરફ, ઈરાન સાથે યુદ્ધમાં આજે અમેરિકાના ચોથા સૈનિકનું ગંભીર હદે ઘાયલ થયા પછી મોત થઈ ગયું હતું. મધ્ય-પૂર્વના ચાર દેશમાં છ અમેરિકી બેઝ પર હુમલા કરનાર ઈરાને આજે આરોપ મૂક્યો હતો કે, પાકિસ્તાને અમેરિકાને પોતાના હવાઈ માર્ગનો ઉપયોગ કરવા આપ્યો હતો.

Panchang

dd