• મંગળવાર, 03 માર્ચ, 2026

વરસાણા નજીક છૂટકમાં નશો વેચતો ઢાબા સંચાલક ઝડપાયો

ગાંધીધામ, તા. 2 : અંજાર તાલુકાના વરસાણા નજીક આવેલા એક ઢાબામાં પોલીસે છાપો મારી અહીંથી રૂા. 4,47,400ના હેરોઈન (ચિટ્ટા) સાથે રાજસ્થાની શખ્સને પકડી પાડયો હતો. વરસાણા ગામનાં બસ સ્ટેન્ડ પાસે આવેલા પતરાવાળા ઢાબામાં માદક પદાર્થ વેચાતો હોવાની  પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે ગત મોડી રાત્રે કાર્યવાહી કરી હતી. પૂર્વ તૈયારી સાથે ગયેલી પોલીસે આ ઢાબામાંથી મૂળ ગુડા મલાણી બાડમેર રાજસ્થાનના પ્રકાશકુમાર હરીંગારામ બિશ્નોઈને પકડી પાડયો હતો. આ શખ્સની તપાસ કરતાં પેન્ટનાં ખિસ્સામાંથી મોબાઈલ મળી આવ્યો હતો, જ્યારે શર્ટનાં ખિસ્સાની તપાસ કરાતાં તેમાંથી રબ્બર વિંટાયેલી કોથળી (થેલી) મળી આવી હતી. જે ખોલીને જોતાં તેમાં કથ્થઈ રંગના નાના ટુકડાવાળો પદાર્થ મળી આવ્યો હતો. આ પદાર્થ નશો કરવા માટેનો સ્મેક (ચિટ્ટો) હોવાનું પકડાયેલા શખ્સે જણાવ્યું હતું. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને સ્થાનિકે બોલાવી ખરાઈ કરતાં આ પદાર્થ હેરોઈન હોવાનું પ્રાથમિક પૃથક્કરણમાં આવ્યું હતું. આ શખ્સ પાસેથી રૂા. 4,47,400નું 22.37 ગ્રામ હેરોઈન જપ્ત કરાયું હતું. તેને આ પદાર્થ જવાહરનગરમાં રહેનાર રમેશ હરિરામ બિશ્નોઈ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. પોતાના ગ્રાહકોને છૂટકમાં નશો વેચતા આ શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે.

Panchang

dd