• મંગળવાર, 03 માર્ચ, 2026

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં કચ્છના 2657 વકીલ મતદાન કરશે

ભુજ, તા. 2 : વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આગામી તારીખ 6ઠ્ઠી માર્ચ 2006ના તમામ જિલ્લાની અને તાલુકાની પોલિંગ સ્ટેશન જાહેર કરી યોજવામાં આવેલ છે. કચ્છમાંથી 2657 વકીલ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે. આ ચૂંટણીમાં કુલ 23 પ્રેફરન્સ વોટ આપવાના છે. જે 23 જગ્યામાં 18 સામાન્ય અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર પાંચ મહિલા ઉમેદવારને ચૂંટવામાં આવશે. ત્યારબાદ બે વ્યક્તિને કો-ઓપ કરી અને 26 વકીલની કારોબારીની નિમણૂક આગામી પાંચ વર્ષ માટે કરવામાં આવશે. કચ્છમાંથી 2657 વકીલ મિત્રો આ ચૂંટણીમાં મતદાર તરીકે યાદીમાં સમાવેશ કરવામાં આવેલા છે. ચૂંટણીમાં 99 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે જે પૈકી કચ્છના બે ઉમેદવાર પુનિત એચ. દુધરેજીયા અને મગનભાઇ રાજીયાભાઇ ગઢવીએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણી સંદર્ભે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિઓ ભુજ ખાતે આવ્યા હતા અને આગામી ચૂંટણી સંદર્ભિત સૂચના અને માહિતી આપી તથા ચૂંટણીને લગતું તમામ સાહિત્ય મતપેટી અને મતપત્રક સહિતના પોલિંગ ઓફિસરને સુપરત કર્યું હતું. કચ્છ જિલ્લાના મુખ્ય ઓથોરાઇઝ પોલિંગ ઓફિસર તરીકે એડવોકેટ જીતેન્દ્રભાઇ મૂલચંદ ઝવેરીની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભુજ મધ્યે તેમની સાથે સહાયક પોલિંગ ઓફિસર તરીકે એડવોકેટ મલ્હાર ડી. બૂચ, હર્ષદ જે. જરાદી, હિતેશભાઇ વેગડ અને અલ્પેશ સલાટની નિમણૂક કરાઇ છે. દરેક તાલુકામાં પણ પોલિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલ છે જેમાં અબડાસા બાર એસોસિયેશનમાં મુખ્ય પોલિંગ અધિકારી એડવોકેટ સચિનભાઇ જોશી, સહાયક તરીકે જગદીશભાઇ ગુસાઇ, અંજાર બાર એસોસિયેશનમાં જયદીપભાઇ વરૂ સાથે અલ્પેશભાઇ આર. બારોટ, ભચાઉ બાર એસોસિયેશનમાં દિનેશભાઇ મહેશ્વરી અને સહાયક મહાદેવભાઇ ડાંગર, માંડવી બાર એસોસિયેશનમાં અલ્તાફભાઇ નારેજા અને સહાયક નારણભાઇ ગઢવી, મુંદરા બાર એસોસિયેશનમાં રેનિશભાઇ રાવ અને સહાયક ભૌમિકભાઇ ભટ્ટ, નખત્રાણા બાર એસોસિયેશનમાં ફાલ્ગુનીબેન ભીમાણી અને સહાયક રેણુબેન ખેતાણી તથા રાપર  બાર એસોસિયેશનમાં મુખ્ય રમેશભાઇ ચાવડા અને સહાયક ભરતભાઇ ઠાકોરની નિમણૂક કરવામાં આવેલ છે.

Panchang

dd