નવી દિલ્હી, તા. 2 : અમેરિકા
અને ઇરાન વચ્ચે યુદ્ધથી ઉચાટ વચ્ચે ભારત સરકાર એલર્ટ મોડ પર છે. ઇરાનના સુપ્ર્રીમ
લીડર આયાતોલ્લાહ અલી ખોમેનીનાં મોત બાદ દેશનાં અનેક રાજ્યોમાં હિંસક બનેલાં
પ્રદર્શનો વચ્ચે કડક બનેલાં ભારતીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવાના
નિર્દેશ આપ્યા છે. બધાં રાજ્યોને પત્ર લખતાં દેશનાં ગૃહ મંત્રાલયે ઇરાન સમર્થક
કટ્ટરપંથીઓના ભડકાઉ ભાષણો પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. આવા ભાષણો હિંસા
ભડકાવી શકે છે, એ ધ્યાને લેતાં સાંપ્રદાયિક હિંસાની આશંકા હોવાથી રાજ્યોને સતર્ક રહેવા
જણાવાયું છે. કાશ્મીર, ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાં હાઇએલર્ટ
જારી કરી દેવાયું હતું. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સહિત નજર રાખી રહી છે. ગૃહ
મંત્રાલયે રાજ્યોને લખેલા પત્રમાં ગુપ્તચર બાતમીઓની ઝડપી આપ-લે કરવા સાથે સમયસર
જરૂરી પગલાં લેવા નિર્દેશ અપાયો હતો. દરમિયાન શ્રીનગરમાં ખોમેનીનાં મોત ઉપર ભારે
પ્રદર્શન થયું હતું અને પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી, જેમાં ઘણા પ્રદર્શનકારીઓને હિરાસતમાં પણ લેવાયા હતા. યુપીના પણ ડઝનેક
જિલ્લામાં શિયા સમુદાયમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પ્રદર્શનો થયાં હતાં. પત્રમાં
ચેતવણી આપવામાં આવી છે કે, વિદેશમાં બની રહેલા ઘટનાક્રમની
અસર ભારતમાં થઈ શકે છે. વધુમાં ધાર્મિક આયોજનોમાં થનારી નિવેદનબાજીનો ઉલ્લેખ કરીને
કાયદો-વ્યવસ્થા ન બગડે તેનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત દૂતાવાસોની
સુરક્ષા પણ ચાંપતી કરવામાં આવી છે. ખાસ
કરીને ઈઝરાયલ અને અમેરિકી દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ આસપાસ સુરક્ષા ઘેરો મજબૂત
કરવા નિર્દેશ અપાયો છે. આ દરમિયાન કાશ્મીરમાં સંભવિત વિરોધ પ્રદર્શનોને રોકવા માટે
શ્રીનગરના ઘણા વિસ્તારમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. લાલચોક ક્ષેત્ર સીલ
કરવામાં આવ્યો હતો. આ દરમિયાન શોલ્ટેંગ વિસ્તારમાં વિરોધ રેલી રોકવા ટિયર ગેસના
સેલ છોડવાની ફરજ પડી હતી. શિયા સમુદાયના લોકો રેલી કરવા મથતા હતા, પણ પોલીસે તેઓને રોકીને હિરાસતમાં લીધા હતા. બીજી તરફ યુપીમાં લખનઉ,
ગાઝિયાબાદ, જૌનપુર સહિતના ડઝનેક જિલ્લામાં
ખોમેનીનાં મૃત્યુ મામલે પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં, જેમાં
શિયા સમુદાયમાં આક્રોશ જોવા મળ્યો હતો.