• મંગળવાર, 03 માર્ચ, 2026

ઈરાનના આક્રમક જવાબથી દુનિયામાં વધતો ઉચાટ

અમેરિકા અને ઈઝરાયલે કરેલા સંયુક્ત હુમલાના જવાબમાં મરણિયા બનેલા ઈરાને જવાબી હુમલા કરીને આ જંગને વધુ જટિલ બનાવી દીધો છે. તેલ સમૃદ્ધ આરબ દેશો અને ત્યાં સ્થિત અમેરિકા લશ્કરી થાણાને નિશાન બનાવી રહેલા ઈરાને તેના આક્રમક ઈરાદા છતા કરી દીધા છે. ઈઝરાયલ અને અમેરિકાના દળોના હુમલાથી તારાજ તેહરાનની આ કાર્યવાહીથી દુનિયાનાં અર્થતંત્રની સામે પણ જોખમી પડકાર ઊભો થયો છે. પળેપળ બદલાતાં જતાં ચિત્ર વચ્ચે શાંતિના કોઈ સંકેત જણાતા ન હોવાથી વિશ્વના દેશો ચિંતિત બન્યા છે. અમેરિકાએ પોતાના સૈનિકો ખોયાની કબૂલાત કરી છે. પેન્ટાગોન કહે છે, `યુદ્ધ અમે શરૂ નથી કર્યું, પણ યુદ્ધ કયારે ખતમ થશે એ નક્કી અમેરિકા જ કરશે... આ નિવેદન દર્શાવે છે કે, નજીકના ભવિષ્યમાં હિંસાનો દાવાનળ શાંત થતો દેખાતો નથી. ઈરાન તેના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખોમેનીનાં મોત અને હુમલાથી સર્જાઈ રહેલી તબાહીથી થથરીને ઘૂંટણિયે પડી જશે એવી અપેક્ષાથી વિપરિત ઇરાન વધુ મરણિયું ને ઘાતક બન્યું છે. અમેરિકા અને ઈઝરાયલના આક્રમણમાં આયાતોલ્લાહ ઉપરાંત ઈરાને તેની ટોચની નેતાગીરી પણ ગુમાવી હોવાના અહેવાલ છે. નવા વચગાળાના નેતા તરીકે આયાતોલ્લાહ અલીરેઝા અરાફીની પસંદગી કરાઈ છે. ઈરાને વળતા હુમલા કરીને આરબ દેશો અને ત્યાં સ્થિતિ અમેરિકન થાણાને નિશાન બનાવ્યા છે. આરબ દેશોની સલામતીના જોખમી બનેલા ગણિત વચ્ચે હિઝબુલ્લાહ સંગઠને ઈઝરાયલ પર હવાઈ હુમલા કરતાં લેબેનોનમાં વળતા હુમલા થયા છે, તો હુથી બળવાખોરોએ ઈરાનના સમર્થનમાં દરિયાઈ વ્યવહારને નિશાન બનાવવાની ચીમકી આપી છે. આમ આ ગૂંચવાયેલાં ચિત્રમાં જંગના વધતા જતા વ્યાપને નાથવાનો કોઈ માર્ગ હાલ તુરત તો જણાતો નથી. આરબ દેશોને નિશાન બનાવાતાં દુનિયાની સામે આર્થિક જોખમ પણ ઊભું થઈ ચૂક્યું છે. હોર્મુઝની સમુદ્રધૂની બંધ થતાં દરિયાઈ વ્યહાર રુંધાયો છે, પણ ક્રૂડ તેલ અને કુદરતી ગેસના ભાવો પણ ભડકે બળી રહ્યા છે. તેલના ભાવોમાં સોમવારે દસ ટકા જેટલો અને યુરોપમાં કુદરતી ગેસના ભાવોમાં 22 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે.  દુનિયાના દેશોનાં અર્થતંત્રને ખોરવી નાખે તેવા આ ભાવોમાં હજી વધારાનું વલણ રહેશે તો ભારત સહિતના વિકસતા રાષ્ટ્રો માટે આર્થિક પડકાર ઊભો થઈ શકે તેમ છે. ભારતને સંબંધ છે ત્યાં સુધી આરબ દેશો સાથે સીધો વેપાર અને પ્રવાસન વ્યવહાર ધરાવતા ભારતીયો હવાઈ અને દરિયાઈ માર્ગો બંધ થતા અટવાઈ ગયા છે. દેશના બંદરો પર નિકાસના માલસામાનનો ભરાવો થવા લાગ્યો છે, તો હવાઈ માર્ગો બંધ થતાં યુરોપ સહિતના દેશોની ભારત સાથેની વિમાની સેવાઓ થંભી ગઈ છે. આ લખાય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયા, બહેરીન, કતારના વડાઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે. આરબ દેશોમાં વસવાટ કરીને નોકરી કે રોજગાર કરતા લાખો ભારતીયોની સલામતીની ચિંતા પણ જાગી રહી છે. આવામાં ભારત સરકારે આ ભારતીય નાગરિકોને પરત લાવવાની મથામણ શરૂ તો કરી છે, પણ તેનો કોઈ માર્ગ જણાતો નથી, તો વેપાર માટે ભારતે અન્ય વૈકલ્પિક દરિયાઈ માર્ગ લેવો પડે તો તેનો ખર્ચ વધી જાય તેમ છે. આમ ઈરાન સાથે અમેરિકા અને ઈઝરાયલનો જંગ હવે દુનિયાનો ઉચાટ વધારી રહ્યો છે.

Panchang

dd