• મંગળવાર, 03 માર્ચ, 2026

હમીરસરમાંથી માજી પોલીસ કર્મચારીની લાશ મળી

ભુજ, તા. 2 : આજે સવારે ભુજનાં હમીરસરમાંથી માજી પોલીસ કર્મચારી એવા 81 વર્ષીય વડીલ મોડજી દાનસંગજી ભાટીની લાશ મળી હતી. અબડાસા તાલુકાના હાદાપરમાં 47 વર્ષીય આધેડ ઈસ્માઈલ ઈબ્રાહીમ સુમરાએ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. આજે સવારે આઠ વાગ્યાના અરસામાં ભુજ ફાયર વિભાગને ફોન આવ્યો હતો કે, ભુજના હમીરસર તળાવમાં રાજેન્દ્ર બાગના પુલ પાસે અજાણી વ્યક્તિ પડી ગઈ છે. આથી ફાયર ટીમ રેસ્ક્યૂનાં સાધનો સાથે ત્યાં ધસી જઈ ડૂબેલી વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. દરમ્યાન આ અજાણી વ્યક્તિની ઓળખ સામે છતી થઈ હતી. આ 81 વર્ષીય વડીલ મોડજી દાનસંગજી ભાટી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગ તેમના પુત્ર રણજિતસિંહ ભાટી (વકીલ)એ વિગતો જાહેર કરી હતી. મૃતક મોડજી નિવૃત્ત પોલીસ અધિકારી હતા. વકીલ રણજિતસિંહ અને કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામસિંહના પિતા થતા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. આ વડીલને હમીરસરમાંથી બહાર કાઢવામાં ફાયર વિભાગના અધિકારી સચિન પરમાર અને તેમની ટીમના જિજ્ઞેશ જેઠવા, ઈમ્તિયાઝ સમા, ઋષિ ગોર, સંજયસિંહ સોઢા, રુદ્ર જોશી તથા તાલીમી સ્ટાફ જોડાયો હતો.ં અબડાસા તાલુકાના બેરા હાદાપરમાં રહેતા 47 વર્ષીય આધેડ ઈસ્માઈલ ઈબ્રાહીમ સુમરાએ પોતાના ઘરે લાકડાની આડીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી તેમને નલિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd