કોલકતા, તા. 2 : ટી-20 વિશ્વ
કપ ઇતિહાસમાં ટીમ ઇન્ડિયાએ તેના સૌથી મોટા રન લક્ષ્યાંકનો પીછો કરીને રવિવારે
વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયાની આ જીતનો નાયક હતો સંજૂ સેમસન. વન
મેન આર્મી બની તેણે પ0 દડામાં 97 રનની
અણનમ મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. મેચ બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે
જણાવ્યું કે સેમસને એક મુશ્કેલ તબકકા બાદ શાનદાર વાપસી કરી છે. અમને આશા છે તેનું
ફોર્મ સેમિ અને ફાઇનલમાં પણ ચાલુ રહેશે. પત્રકાર પરિષદમાં કોચ ગંભીરે વધુમાં
જણાવ્યું કે અમને ખબર હતી કે સંજૂ સેમસન કેટલો સારો ખેલાડી છે. જયારે ટીમને તેની
સૌથી વધુ જરૂર હતી, ત્યારે તેણે શાનદાર ઇનિંગ રમી. હજુ ટૂર્નામેન્ટની બે મેચ બાકી છે. તેની
પાસે ફોર્મ ચાલુ રાખવાનો મોકો છે. મેં હંમેશા કહ્યું છે કે તે વિશ્વસ્તરીય ખેલાડી
છે. તે મહાન પ્રતિભા છે. આશા છે કે આગળ પણ તેની પાસેથી આવી ઇનિંગ જોવા મળશે. તેની
ઝિમ્બાબ્વે સામેની ટૂંકી ઇનિંગ પણ ઘણી મહત્ત્વની હતી. આથી તેનો આત્મવિશ્વાસ વધ્યો
હતો એમ ગંભીરે કહ્યું હતું. કોચ ગંભીરે કહ્યું ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી સંજૂ
માટે ઘણી કઠિન રહી હતી. આથી અમે તેને બ્રેક આપ્યો હતો. જેથી તેના પરથી દબાણ હટે. એ
શ્રેણીમાં સંજૂએ પ મેચમાં ફક્ત 46 રન કર્યાં હતા. આ તકે કોચ ગંભીરે
શિવમ દૂબે વિશે કહ્યું તેના બે ચોક્કા પણ અતિ કિંમતી બની રહ્યા.