નેશનલ હેરાલ્ડનો મામલો કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી
અને લોકસભાના સાંસદ રાહુલ ગાંધી સહિતના નેતાઓનો કેડો મુકતો નથી. આ ચકચારી મામલામાં
હવે કોંગ્રેસના આ બંને ટોચના નેતાઓ સહિતનાની સામે નવી એફઆઈઆર નોંધાઈ છે. સ્વાભાવિક
રીતે ભારે રાજકીય પ્રત્યાઘાતનો વંટોળ ઊભી કરતી આ એફઆઈઆરે જો કે, બતાવી આપ્યું છે કે, કાયદાથી ઉપર કોઈ નથી. ખોટું કરનાર સૌએ તેની તપાસ અને સજા ભોગવવી પડે છે. એનફોર્સમેન્ટ
ડાયરેક્ટોરેટ (ઈડી)ની ફરિયાદ પરથી દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ આ નવી એફઆઈઆર નોંધી
છે. આ કાર્યવાહી શરૂ થતાંની સાથે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પુનરોચ્ચાર કર્યો છે
કે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ગાંધી - વાડરા પરિવાર ભ્રષ્ટ છે. આમે નેશનલ
હેરાલ્ડના મામલે ભાજપે હંમેશાંથી કોંગ્રેસ
અને તેના ટોચના નેતાઓની સામે મોરચો ખોલ્યો છે. નવી એફઆઈઆર સાથે હવે આ આરોપો નવાં પરિમાણ
સામે ફરી સામે આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે, આવા કોઈ પણ આરોપ
હોય તો સંબંધિત એજન્સીઓ પોતાની જવાબદારી મુજબ તપાસ કરતી હોય છે. આમાં કોઈ પણ વ્યક્તિ
કે સંસ્થા કાયદાથી પર નથી રહી શકતી. તપાસનીશ એજન્સીઓનો દાવો છે કે, દસ્તાવેજો અને પૂરવાનાં ઝીણવટભર્યાં
અધ્યયન બાદ નવી એફઆઈઆર દાખલ કરાવાઈ છે. આ કાર્યવાહી બદલાની કોઈ ભાવના સાથે હાથ
ધરાઈ ન હોવાની સ્પષ્ટતા પણ એજન્સીએ કરી છે. આ એફઆઈઆરમાં ગુનાહિત કાવતરા, વિશ્વાસઘાત અને છેતરપિંડી જેવા આરોપ લગાવાયા છે. એફઆઈઆરમાં એવો આરોપ મુકાયો
છે કે, કોંગ્રેસની માલિકીની એસોસીએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)પર
છેતરપિંડીથી હસ્તાંતરણ કરાઈ હતી. આ કંપનીની
કુલ સંપત્તિ બે હજાર કરોડની છે. બન્યું એવું હતું કે, કોલકાતાની
એક કંપની ડોટેક્સ મર્ચેન્ડાઈઝે યંગ ઈન્ડિયનને એક કરોડ રૂપિયા આપ્યા હતા, તે પછી યંગ ઈન્ડિયને કોંગ્રેસને પ0 લાખ
ચૂકવીને એજેએલ પર નિયંત્રણ મેળવ્યું હતું. આમ યંગ ઈન્ડિયને એજેએલ પર કબજો મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, યંગ ઈન્ડિયનમાં ગાંધી પરિવારનો 76 ટકાનો ભાગ છે. આ બધું ધ્યાને લઈને ઈડીએ નવમી એપ્રિલ-202પના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી,
સુમન દુબે, સામ પિત્રોડા અને ડોટેક્સના પ્રમોટર
વિરુદ્ધ નેશનલ હેરાલ્ડ અખબારને લગતા કહેવાતા મની લોન્ડરિંગ કેસમાં એક ચાર્જશીટ દાખલ
કરી હતી. આ ચાર્જશીટના અનુસંધાનમાં નવી એફઆઈઆર નોંધવામાં આવી છે. હવે આ કેસમાં દિલ્હી પોલીસ એજેએલના શેરધારકોને પૂછપરછ
માટે બોલાવી શકે છે. પોલીસ તેમને પૂછવા માગશે કે, એજેએલના હસ્તાંતરણ
અગાઉ કોંગ્રેસે તેમની સંમતી મેળવી હતી કે કેમ ? આ મામલામાં કેવા
વળાંક આવે છે હજી સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી, પણ એક વાત નક્કી
છે કે, નવી એફઆઈઆર નોંધાતાં કોંગ્રેસના મોટા ગજાના નેતાઓની મુશ્કેલી
વધી શકે છે, તેની સાથોસાથ વિપક્ષી સભ્યો સંસદની કાર્યવાહીને રોકવામાં
આ મુદ્દાનો પણ હાથવગો ઉપયોગ કરે તો નવાઈ પામવા જેવું નહીં રહે.