ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે મફતની `રેવડી'નાં વચનો આપે છે. આ રેવડી કલ્ચરની દેશની સર્વોચ્ચ અદાલતે આકરા શબ્દોમાં ઝાટકણી
કાઢી છે અને વળતો વેધક પ્રશ્ન કર્યો છે કે, દેશની જનતાને રાષ્ટ્રનિમાર્ણમાં
જોતરીને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાને બદલે તેઓને મફતમાં બધું આપી દઈએ, શું આપણે સમાજમાં `પરાવલંબી' લોકોનો
નવો વર્ગ ઊભો નથી કરી રહ્યા? કોર્ટે અવલોકન કર્યું હતું કે,
લોકોને મફતમાં રેશન અને નાણાં મળશે તો પછી તેઓ મહેનત જ નહીં કરે. સુપ્રીમ કોર્ટનું આ નિરીક્ષણ સમયોચિત છે,
કેમ કે, છેલ્લા થોડા સમયમાં જોવા મળ્યું છે કે,
મફતની રેવડીની લહાણી કરતા રાજકીય પક્ષો ચૂંટણીમાં જ્વલંત સફળતા મેળવી
રહ્યા છે. આ બધાં વચનો પહેલી નજરે એમ પણ લાગે કે, દેશની ગરીબ
તથા નિમ્ન-મધ્યમવર્ગીય જનતાના કલ્યાણ માટે રાજકીય પક્ષોને કેટલી સહાનુભૂતિ છે,
બધું મફતમાં ઉપલબ્ધ કરી આપવાથી લોકો સુખી થઈ જશે અને તેમનું જીવનસ્તર
ઊંચે આવશે, પણ તેના દુષ્પરિણામ પ્રત્યે આંખ આડા કાન કરવાની વૃત્તિ
બધા જ પક્ષોમાં એકસરખી છે. હાલનાં વર્ષોમાં મતદાતાઓને લલચાવવા સત્તારૂઢ પક્ષો મફતમાં
અનાજ, જીવનપર્યાપ્ત સામગ્રીઓ વહેંચવા ઉપરાંત વિભિન્ન કલ્યાણકારી
યોજનાઓ અંતર્ગત મતદાતાઓનાં ખાતાંમાં દર મહિને હજારો રૂપિયા રોકડા હસ્તાંતરિત કરાવી
રહ્યા છે. આનાથી ગરીબોનું ઘર સરળતાથી ચાલી જાય છે તથા પેટ ભરવા માટે તેઓને મહેનત કરવાની
આવશ્યક્તા નથી પડતી. આવા લોકો કામથી દૂર ભાગી રહ્યા છે અને રાષ્ટ્રનિર્માણમાં તેમનું
યોગદાન સતત ઓછું થતું જાય છે. `રેવડી કલ્ચર'ને કારણે લોકતંત્રનાં મૂળિયાં નબળાં પડી રહ્યાં છે. આનાથી સમગ્ર ચૂંટણી લોકતાંત્રિક
પ્રક્રિયા પર હાવી થાય છે. કારણ કે, યોજનાઓની આડમાં આડકતરી રીતે
તો મતદાતાઓનો મત ખરીદવામાં આવે છે. ભારતના આમ આદમી પોતાના લોકતાંત્રિક અધિકારોને લઈને
સજાગ થઈ રહ્યા છે, પણ મફતની રેવડીના ચક્કરમાં એક મોટો વર્ગ વિવેક
ખોઈ દેશને નુકસાન કરી બેસે છે. લોકતંત્રની પવિત્રતા ભ્રષ્ટ કરવા માટે કોઈ એક પક્ષને
દોષ આપી શકાય એમ નથી, હમામમાં બધા જ દિગંબર છે. જનતાના કલ્યાણ
માટે પગલાં લેવાં ખોટું નથી. વળી, સરકારનું કામ જ લોકકલ્યાણનું
હોય છે, પણ સરકારી યોજનાઓ અમલમાં મુકાય એનાથી લોકકલ્યાણ સાથે
રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયાને પણ બળ મળે, માનવ સંસાધનનો સદુપયોગ
થાય તથા ઉદ્યમપ્રિય રાષ્ટ્રનું સર્જન થાય એ આશય પણ પરિપૂર્ણ થવો જોઈએ. દુનિયામાં આજે
જેટલાં પણ રાષ્ટ્ર સમૃદ્ધ છે તે માનવ સંસાધનોના અધિકત્તમ રચનાત્મક ઉપયોગના કારણે સફળતાના
શિખરે છે. આજે આપણે સફળતા તથા વિકાસના જે વળાંક પર ઊભા છીએ એ દેશવાસીઓની મહેનતનું પરિણામ
છે, તેને વ્યર્થ ન જવા દેવાય.