દુર્લભ ખનિજ-ધાતુઓનાં ઘરેલુ નિર્માણને પ્રોત્સાહન આપવા 7280 કરોડની યોજનાને કેબિનેટની મંજૂરી
: નવી દિલ્હી, તા. 26 : કેન્દ્ર સરકારે બુધવારે દેશના ઔદ્યોગિક અને શહેરી વિકાસને ગતિ
આપવા અને ચીનની મનમાનીનો તોડ કાઢવા માટે બે મોટા નિર્ણય લીધા હતા. પીએમ મોદીની અધ્યક્ષતામાં
મળેલી કેબિનેટ બેઠકમાં રેયર અર્થ પરમેનેન્ટ દુર્લભ ખનિજ ધાતુઓ એટલે કે મેગ્નેટ્સ (આરઈપીએમ)ના
ઘરેલુ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે રૂા. 7280 કરોડની નવી યોજનાને મંજૂરી આપી છે. આ મહત્ત્વાકાંક્ષી યોજનાનું
કુલ બજેટ 7,280 કરોડ રૂપિયા નક્કી કરવામાં
આવ્યું છે. એ ઉપરાંત કેબિનેટે ગુજરાતમાં દ્વારકા-કાનલુ રેલ લાઇનના ડબલિંગને અને મહારાષ્ટ્રમાં
બદલાપુર તથા કરજત વચ્ચે ત્રીજી અને ચોથી લાઇન બનાવવાને પણ મંજૂરી આપી છે. આ બંને પ્રોજેક્ટમાં
રૂા. 2781 કરોડ ખર્ચાશે. સાથે જ પૂણે
મેટ્રોનાં વિસ્તરણ માટે રૂા. 9858 કરોડ મંજૂર
કર્યા હતા. સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી હતી કે, આ યોજનામાં 6450 કરોડ રૂપિયાની વેચાણ આધારિત
પ્રોત્સાહન રકમ સામેલ છે. જે આગામી પાંચ વર્ષમાં ઉદ્યોગોને આપવામાં આવશે. સરકારનો મુખ્ય
હેતુ છે કે, ભારત રેયર અર્થ મેગ્નેટ્સના
ક્ષેત્રમાં આત્મનિર્ભર બને, કારણ કે, વર્તમાન
સમયે દુનિયાના મોટા હિસ્સામાં સપ્લાય ચીન નિયંત્રિત કરે છે. વૈષ્ણવ અનુસાર રેયર અર્થ
ખનિજ ભારતના ઘણા તટીય વિસ્તાર અને ગુજરાત, રાજસ્થાન જેવા પ્રાચીન
ભૂભાગમાં મળી આવે છે, જેનાથી બનતા પરમેનેન્ટ મેગ્નેટ્સનો ઉપયોગ
ઈલેક્ટ્રિક વાહનો, ડિફેન્સ ટેક્નોલોજી, ઈલેક્ટ્રોનિક્સ, અંતરિક્ષ અનુસંધાન અને હાઈટેક મેન્યુફેક્ચરિંગમાં
થાય છે. સરકારનું માનવું છે કે, આ યોજનાથી રોકાણ વધશે અને સાથે
રોજગારના અવસર પણ પેદા થશે અને ભારતની રણનીતિક ક્ષમતાઓ મજબૂત થશે. બેઠકમાં બીજો મોટો
નિર્ણય પૂણે મેટ્રોના વિસ્તારને મંજૂરીનો લેવાયો હતો. કેન્દ્રીય કેબિનેટે ફેઝ-2 હેઠળ લાઈન-4 (ખરાડી-હડપસર-સ્વાર્ગેટ-ખડકવાસલા)
અને લાઈન-4એ (નાલ સ્ટોપ-વર્જે-માનિક બાગ)ને સ્વીકૃતિ
આપી છે. આ પરિયોજનાની પડતર અંદાજિત 9857.85 કરોડ રૂપિયા છે અને પાંચ વર્ષમાં યોજના પૂરી કરવાનું લક્ષ્ય
નક્કી કરવામાં આવ્યું છે. - પાકિસ્તાન ભારતને ભાષણ ન આપે : રામમંદિર ધ્વજારોહણના વિરોધ બદલ
ફટકાર : નવી દિલ્હી, તા. 26 : આતંકવાદને પોષવાનું પાપ કરતાં પાકિસ્તાને અયોધ્યાનાં રામમંદિરમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણના વિરોધમાં કહ્યું હતું કે, આ ભારતમાં મુસ્લિમ વારસા સામે ખતરો છે. ભારતે
જડબાંતોડ જવાબ આપતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન પાસે બીજા દેશને
ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું
હતું કે, પાક ભારતને લઘુમતીઓ પર અત્યાચાર અંગે જ્ઞાન ન આપે. પાકિસ્તાનનો
પોતાનો લઘુમતીઓ પર અત્યાચારનો લાંબો ઈતિહાસ છે. પાકિસ્તાને કહ્યું હતું કે,
જે જગ્યાએ પહેલાં બાબરી મસ્જિદ હતી ત્યાં હવે રામમંદિર બનાવી દેવાયું
છે. આ ભારતમાં ધાર્મિક લઘુમતી સમુદાય પર વધતાં દબાણની પ્રતીતિ કરાવતાં પગલાંઓ લેવાઇ
રહ્યા છે, તેવો છીછરો આરોપ પાકે મૂક્યો હતો. આતંકપરસ્ત પાડોશી
દેશે એવો આરોપ મૂક્યો હતો કે, ભારત દેશમાં લઘુમતીઓ અને તેમાં
પણ ખાસ કરીને મુસ્લિમ સમુદાય પર દબાણ વધી રહ્યું છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને
અપીલ કરી હતી કે, ભારતમાં વધતા ઇસ્લામોફોબિયા, નફરત અને મુસ્લિમો પર હુમલા જેવા મુદ્દાઓને ધ્યાને લેવાની જરૂર છે. સંયુક્ત
રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને ભારતમાં લઘુમતીઓનાં ધાર્મિક સ્થળો અને તેમના અધિકારોની
સુરક્ષા માટે પગલાં લેવાની અપીલ પાકિસ્તાને કરી હતી. ખાસ ઉલ્લેખનીય છે કે, ભારત પર ખોટા આરોપ મૂકનાર પાકિસ્તાનમાં જ લઘુમતી સમુદાયો પર હિંસા અને અત્યાચાર
થઇ રહ્યા છે.