નલિયા, તા. 26 : અબડાસા તાલુકાના મુખ્ય મથક
નલિયા ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને લોકોની રજૂઆતો સાંભળવા અને
તેના ત્વરિત નિરાકરણના આશયથી `લોકસંવાદ' કાર્યક્રમ યોજાયો હતો. વીજ, પાણી, રસ્તા કામો જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો અંગે
ગામલોકો દ્વારા રજૂઆત કરાઇ હતી. આ કાર્યક્રમમાં કરોડોના વિકાસકામો કરાશે તેવી વિગત
પણ અપાઇ હતી. સરપંચ રામજીભાઇ કોલી દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબની જગ્યા
ભરવા, પાણી પ્રશ્ન હલ કરવા, પ્રાથમિક શાળામાં
ઓરડાની ઘટ પૂરી કરવા,પીએમ આવાસ યોજનાના હપ્તાની ચૂકવણી સહિતની
લેખિત રજૂઆતો કરાઇ હોવાનું યાદીમાં જણાવાયું હતું. વીજ, પાણી
અને રસ્તા કામોની સુવિધાના પ્રશ્નો અંગે રજૂઆત કરાઇ હતી. ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી જાડેજાએ લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખી તમામ પ્રશ્નોના સુખદ
નિરાકરણની ખાતરી આપી વિકાસકામોની રૂપરેખા આપી હતી. રામપરથી માતાના મઢ રોડનાં કામનું
ટેન્ડર મંજૂર થઇ ગયું છે જેને રાજ્ય વિભાગમાં સમાવવા દરખાસ્ત કરાઇ હોવાનું તેમજ નલિયા
પ્રવેશદ્વારના માર્ગને છ કરોડના ખર્ચે તૈયાર કરાશે તેમ જણાવ્યું હતું. નલિયા-નારાયણ
સરોવર માર્ગ પર સમસ્યા ઉકેલવા 50 લાખના ખર્ચે નવો પુલ મંજૂર કરાયો છે. ઉપરાંત 20 કરોડના ખર્ચે ભવાનીપર પુલ, બિટ્ટા-તેરા-લાખણિયા નદીના પુલો, નર્મદાનાં કામો પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું. પિંગલેશ્વર બીચ વિકાસ,
સ્મારક વિકાસકામો, જખૌ, વાયુ,
નરેડી સહિત કુલ નવા છ દવાખાનાં મંજૂર કરાયાં છે. એપીએમસીમાં ખરીફ પાકના
કેન્દ્રો કાર્યરત છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં તા.ભા. પ્રમુખ જયદીપસિંહ જાડેજા,
તા.પં. પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ગોપાલ ગઢવી,
દિનેશભાઇ ભાનુશાલી, પરેશભાઇ ભાનુશાલી, પૂર્વ પ્રમુખ મૂળરાજભાઈ ગઢવી,
કાનજીભાઇ ગઢવી, તારાચંદ ઠક્કર, નરેન્દ્રસિંહ જાડેજા, મામદ સંઘાર, સગરામજી સોલંકી, વિનય રાવલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
હતા.