• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

દિશાહીન ટીમ ઈન્ડિયાની કારમી હાર, શ્રેણીમાં સૂપડા સાફ

ગુવાહાટી, તા. 26 : અહીંના બારસાપારા સ્ટેડિયમમાં પહેલીવાર રમાયેલી ટેસ્ટ મેચ ભારતીય ક્રિકેટ ઇતિહાસનો કાળો અધ્યાય બન્યો છે. બીજી ટેસ્ટમાં કંગાળ અને વેરવિખેર ભારતની પ્રવાસી ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 408 રનના વિશાળ અંતરથી શરમજનક અને સૌથી મોટી હાર થઇ છે. બીજી તરફ દ. આફ્રિકા ટીમે 2-0થી કલીનસ્વીપ કરી શ્રેણી કબજે કરી છે. આફ્રિકી ટીમનો 2પ વર્ષ બાદ ભારત ભૂમિ પર ટેસ્ટ શ્રેણી વિજય નોંધાયો છે. પ49 રનના પહાડ સમાન વિજય લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયા મેચના આજે અંતિમ દિવસે ફરી એકવાર નિરાશાજનક દેખાવ કરીને 140 રનમાં જ ઢેર થઇ ગઇ હતી. જેને લીધે દેશના રમતપ્રેમીઓ હતાશ થયા હતા. પહેલા દાવમાં 93 રન છ વિકેટ લેનારો આફ્રિકી ઓલરાઉન્ડર માર્કો યાનસન પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો, જયારે શ્રેણીમાં કુલ 17 વિકેટ સાથે આફ્રિકી સ્પિનર સાઇમન હાર્મર પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. બીજી તરફ તેંબા બાવૂમાએ તેની કપ્તાનીમાં એક પણ ટેસ્ટ ન હારવાનો તેનો અજેય ક્રમ જાળવી રાખ્યો છે. ભારતને ઘરઆંગણે આફ્રિકાએ વર્ષ 2000 પછી પહેલીવાર ટેસ્ટ શ્રેણી હાર આપી છે. ભારતીય ટીમનો 13 મહિનાની અંદર ઘરઆંગણે બીજીવાર સફાયો થયો છે. અગાઉ ગત સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ ટીમે ભારતની 3-0થી કલીનસ્વીપ કરી હતી. આફ્રિકા સામેના કારમા પરાજયથી ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવું પણ ઘણું કઠિન બન્યું છે. ડબ્લ્યૂટીસી પોઇન્ટ ટેબલ પર ભારત હવે પાંચમા સ્થાને ફેંકાયું છે. બીજા દાવમાં આફ્રિકા તરફથી સ્પિનર હાર્મરે 37 રનમાં છ વિકેટ લીધી હતી, જ્યારે ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સર્વાધિક પ4 રન બનાવ્યા હતા. ભારતે આજે તેનો બીજો દાવ બે વિકેટે 27 રનથી આગળ વધાર્યો હતો. અંતિમ દિવસે મેચ બચાવવા માટે ટીમ ઈન્ડિયા સંઘર્ષ પણ કરી શકી ન હતી અને આફ્રિકી સ્પિન બોલિંગ સામે હથિયાર હેઠા મૂકીને હાર સ્વીકારી લીધી હતી. સાઇ સુદર્શને સૌથી વધુ 139 દડાનો સામનો કરી 14 રનની ઇનિંગ્સ રમી હતી. નાઈટ વોચમેન કુલદીપ યાદવ પાંચ, ધ્રુવ જુરેલ બે, કપ્તાન રિષભ પંત 13, વોશિંગ્ટન સુંદર 16 અને નીતિશ રેડ્ડી ઝીરોમાં આઉટ થયા હતા. રવીન્દ્ર જાડેજાએ 87 દડામાં ચાર ચોગ્ગા, બે છગ્ગાથી પ4 રનની ઇનિંગ રમી હતી. હાર્મરની છ વિકેટ ઉપરાંત કેશવ મહારાજને બે અને યાનસન-મુથુસામીને 1-1 વિકેટ મળી હતી. ભારતીય ટીમ 63.પ ઓવરમાં 140 રને ઓલઆઉટ થઇ હતી. 

Panchang

dd