ગાંધીધામ, તા. 26 : કેન્દ્ર સરકાર દ્વારા શ્રમ
સુધારાઓના ભાગરૂપે શ્રમ સુધારાઓ અમલામાં મુકાયા છે,
તેનું અમલીકરણ દીનદયાલ પોર્ટ કંડલા દ્વારા કરાયું છે. પોર્ટના સત્તાવાર
સાધનોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા
શ્રમ સુધારાઓના ભાગરૂપે વેતન સંહિતા-2019, ઔદ્યોગિક
સંહિતા-2020, વ્યાવસાયિક સલામતી આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિ સહિતના સુધારા
21 નવેમ્બરથી કરાયા છે. આ શ્રમ સુધારાઓના અમમલીકરણ માટે પ્રશાસન દ્વારા
વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે અને પોર્ટ ઉપર કામ કરતા શ્રમિકો અને હિસ્સેદારોમાં જાગૃતિ
લાવવા માટે વિવિધ પગલાં લેવાયાં છે. આ અંતર્ગત ડોક એરિયામાં અને પોર્ટ ઓફિસનાં મુખ્ય સ્થળોએ હિન્દી અને ગુજરાતીમાં બેનરો
પ્રકાશિત કરાયાં છે. કામદારોમાં જાગૃતિ લાવવા તમામ કામદાર સંગઠનોને પત્રિકાઓ મોકલવામાં
આવી છે. બંદરના તમામ વિભાગોને પત્રિકા જારી કરવામાં આવી છે, જેમાં કામદારો, બંદર વપરાશકર્તાઓના
સંગઠનો, કોન્ટ્રાક્ટરોમાં
વ્યાપક પ્રચાર કરવા અનુરોધ કરાયો છે. નવી શ્રમ સંહિતાનો અમલ ડીપીએના સોશિયલ મીડિયા
હેન્ડલ દ્વારા પ્રકાશિત કરાયો છે. 27મીએ આવતીકાલે પોર્ટના નોર્થ ગેટ ઉપર ઝુંબેશનું આયોજન કરાશે, જેમાં શ્રમ મંત્રાલયના સહાયક શ્રમ કમિશનર હન્નુ ગાંધી શ્રમ અમલીકરણ અધિકારી કૈલાસ મીણા નવા
રજૂ કરાયેલા શ્રમ સુધારાઓ અંગે માહિતી આપશે. ડીપીએ દ્વારા તમામ શ્રમિકો અને સંબંધીતોને
આ ઝુંબેશમાં સામેલ થવા અનુરોધ કરાયો છે.