દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં યમુનાનાં પાણીમાં ઝેર
ઘોળવાનો મુદ્દો ઉઠાવ્યા પછી ચૂંટણીપંચે `આપ'ના સંયોજક અરવિંદ
કેજરીવાલને નોટિસ આપીને આક્ષેપને સાબિત કરવા જણાવ્યું છે. કેજરીવાલે ભાજપ અને હરિયાણા
સરકાર પર દિલ્હી આવતાં યમુનાનાં પાણીમાં ઝેર ઘોળવાનો આક્ષેપ કર્યો છે. પંચે કહ્યું
છે કે, કેજરીવાલના આક્ષેપ ગંભીર છે. જો તેઓ તેને સાબિત નહીં કરી
શકે તો તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને લોકપ્રતિનિધિત્વ કાયદા અંતર્ગત આકરી
કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ત્રણ વર્ષની સજા અને દંડ બન્ને
થઈ શકે છે. પંચે જણાવ્યું છે કે, યમુનાનાં પાણીને લઈ દિલ્હી જળ
બોર્ડે રિપોર્ટ આપ્યો હતો, જેમાં આવી સ્થિતિનો ઉલ્લેખ નથી. ઝેરી
પાણીને રોકવા માટે કોઈ વાતનો ઉલ્લેખ પણ નથી. જળ બોર્ડના ખુલાસા પછી કેજરીવાલે યમુનાનાં
પાણી સંબંધી કરેલા આક્ષેપ જૂઠા સ્પષ્ટ થાય છે. યમુનાનું પ્રદૂષણ દિલ્હીની જૂની સમસ્યા
કાયમ હોવા છતાં કેજરીવાલ છેલ્લાં 10 વર્ષમાં તેનું નિરાકરણ કરવામાં તદ્દન નિષ્ફળ ગયા છે. યમુનાનાં
પાણીની સ્વચ્છતા એ દિલ્હીવાસીઓ માટે લાઈફલાઈન જેવો વિષય છે. કેજરીવાલે તે બાબતની જાહેર
કબૂલાત પણ કરી હતી તેમજ ત્રીજી વેળા તક મળે તો શુદ્ધ પાણીનું વચન પૂર્ણ કરીશું એવું
ગાજર પણ તેઓએ દાખવ્યું છે. દિલ્હીના રસ્તા યુરોપના રસ્તા જેવા કરીશું, યમુનાનું પાણી સ્વચ્છ કરીને, લંડનની થેમ્સ નદીની જેમ સુશોભીકરણ કરશું એમ પણ કેજરીવાલે કહ્યું હતું. ચૂંટણી
પ્રચારમાં બિનપાયાદાર આક્ષેપ કરવાની કેજરીવાલની જૂની આદત અને કાર્યપદ્ધતિ છે. શરાબકાંડમાં
ખુદ કેજરીવાલ સહિત આમઆદમી પાર્ટીના નેતાઓની ધરપકડ, લાંબા જેલવાસ
પછી પક્ષની વિશ્વસનિયતા સામે પ્રશ્નો ઊઠયા છે. વળી, સ્વાતિ માલિવાલ
જેવા મહિલા નેતા પર સીએમ હાઉસમાં હુમલો, પોલીસ ફરિયાદ જેવી ઘટનાઓને
જોતાં મતદારો આ વખતે પાર્ટીનો મોહભંગ કરશે એવી ધારણા વિપક્ષી છાવણી રાખી રહી છે. વિધાનસભા
ચૂંટણીમાં ટિકિટનો વિવાદ તો છે જ. આ લખાય છે ત્યારે સાતેક ધારાસભ્યએ નારાજ થઇને રાજીનામાં
આપી દીધાં છે. `આપ'એ ભાજપ પર બેફામ આક્ષેપો કરવાની નીતિ અપનાવી
છે. રાજકીય વાતાવરણમાં ઉશ્કેરાટ લાવવો, જનતાનું ધ્યાન મૂળ પ્રશ્નો
પરથી બીજે દોરવું, કેન્દ્ર સરકારના વિરોધમાં અવિશ્વાસનું વાતાવરણ
નિર્માણ કરવું, આ રીતે જ કેજરીવાલે પોતા સામેના અને પક્ષ સામેના
પ્રશ્નો પર પરદો નાખવા માટે જ ફરી એક વેળા ભાજપ વિરુદ્ધ ટીકા શરૂ કરી છે. કેજરીવાલ
નવા ઘોષણાપત્ર સાથે ચૂંટણી લડવા માટે તૈયાર થયા છે. આ ઘોષણાપત્રમાં એવાં વચન આપવામાં
આવ્યાં છે જે છેલ્લાં 10 વર્ષમાં પોતે
પૂરાં ન કરી શક્યાં એ જાહેરમાં સ્પષ્ટપણે કબૂલતાં જો તેઓને ત્રીજી વેળા સત્તા સ્થાપવાની
તક મળે તો પૂર્ણ કરશે એમ જણાવી રહ્યા છે. દિલ્હી ફરી એક વેળા કબજે કરવા ઘોષણાપત્રમાં
રેવડીઓની રેલમછેલ છે. રેવડી તો ભાજપ અને કોંગ્રેસે પણ વેરી છે. ભાજપ માને છે કે, કેજરીવાલે છેલ્લાં 10 વર્ષમાં એવું કોઈ નક્કર કામ
નથી દાખવ્યું કે, જેને લઈ લોકો
તેમને સત્તામાં બેસાડવાની ભૂલ કરે. દિલ્હીમાં ભાજપને સત્તા મળવાના ઊજળા સંજોગો દેખાતા
હોવા જોઈએ જેને લઈ તેઓ ગમે તે હદે જઈ ભાજપ વિરુદ્ધ આક્ષેપો કરી રહ્યા છે.