પશ્ચિમ બંગાળનાં
મુખ્યમંત્રી મમતા બેનરજીના અકળ સ્વભાવના કિસ્સા સામે આવતા રહે છે. નાની-નાની બાબતને
મોટું સ્વરૂપ આપીને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વિરોધમાં ઉતરી
પડતાં રહેતાં મમતાના આ સ્વભાવની ચોમેર ટીકા થઇ રહી છે. નીતિપંચની બેઠકમાં તેમના આ અકળ
અને ક્રોધી સભાવનો પરચો દેશને વધુ એક વખત થયો છે. આમ તો વડાપ્રધાન સાથેની આ બેઠકમાં
વિપક્ષી મુખ્યમંત્રીઓ જોડાવાના હતા જ નહીં, પણ તે સમયે મમતાએ સંઘીય જરૂરતોને આગળ ધરીને
તેમાં હાજરી આપવાનું પસંદ કર્યું હતું. જો કે, બંગાળનાં આ મુખ્યમંત્રીએ નીતિપંચની બેઠકમાં
હાજરી તો આપી, પણ તે પછી ચાલુ બેઠકે ગુસ્સામાં લાલચોળ થઇને બહાર નીકળી આવ્યાં હતાં.
તેમનું કહેવું એ હતું કે, અન્ય મુખ્યમંત્રીઓની સરખામણીએ તેમને બોલવાનો નામમાત્રનો સમય
અપાયો હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી 20 માટે બોલ્યા હતા, તો બીજા મુખ્યમંત્રીઓએ દસ-દસ
મિનિટ સુધી તેમનાં રાજ્યની વાત કરી હતી, પણ
પોતાને માત્ર પાંચ મિનિટનો સમય અપાયો હોવાનો આરોપ મૂકીને બેઠક છોડી ગયેલાં મમતા બેનરજીએ
એમ પણ કહ્યંy હતું
કે, તેમણે પશ્ચિમ બંગાળને આર્થિક ફાળવણીની માંગ ઉઠાવી તેની સાથે તેમનું માઇક બંધ કરી
દેવાયું હતું. સરકાર વતીથી નાણામંત્રી નિર્મલા સીતારમને એવી સ્પષ્ટતા કરી હતી કે, દરેક
વક્તા માટે સમય નિયત કરાયો હતો. તે મુજબ તેમને બોલવાની તક અપાઇ હતી. જો કે, પોતાની
વાત સાચી હોય કે ખોટી, ભારે રોષભેર બોલવાની હથોટી ધરાવતાં મમતાએ તેમનાં માઇકને બંધ
કરી દેવાયાના આરોપ સાથે રાજ્યનું અપમાન હોવાનું કહેવાનું શરૂ કરી દીધું છે, પણ અગાઉના
વિપક્ષી મુખ્યમંત્રીઓના બહિષ્કારના નિર્ણયનું પાલન ન કરનારાં મમતાનાં આ વલણ અને વાંધા
સાથે વિપક્ષો કેવો સૂર પુરાવે છે તે આવનારો સમય જ કહી શકશે. કેન્દ્ર સરકાર સાથે મમતાને
વાંધો પડયો હોય એ કાંઇ આ નવી બાબત નથી. તેઓ અગાઉ ઘણી વખત બેઠક છોડીને જતાં રહ્યાં છે.
ખરેખર તો એમ જણાઇ રહ્યંy છે કે, આ વખતે તેમણે નીતિપંચની બેઠકમાં હાજરી
આપવાનો નિર્ણય વાંધો ઊભો કરવાની તક મેળવવા માટે લીધો હોઇ શકે છે, એવી છાપ ઊભી થઇ રહી
છે. વળી, તેમનો ઇરાદો નીતિઓના અમલ માટેની સર્વોચ્ચ ચર્ચામાં ભાગ લેવાને બદલે પોતાનાં
રાજ્ય માટે વધુ આર્થિક ફાળવણી માટે દબાણ ઊભું કરવાનો વધુ જણાઇ રહ્યો હતો. વળી, બેઠકમાં
હાજરી આપનારાં પોતે વિપક્ષના એકમાત્ર મુખ્યમંત્રી હોવાનો દાવો કરનારાં મમતા બેનરજીએ
તેમનાં આ પગલાંથી વિપક્ષની એકતા સામેના સવાલોને વધુ ઘેરા કરી દીધા હોવાની ચર્ચા પણ
છેડાઇ ચૂકી છે. આ અગાઉ પણ તેમનાં વલણને લીધે વિપક્ષી મોરચાની નબળાઇ છતી થતી આવી છે.
હાલત એવી છે કે, એક તરફ તેઓ કોંગ્રેસનો વિરોધ કરે છે, તો બંગાળ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ
તેમની સામે મોરચો ખોલી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્તરે બધા વિપક્ષી મોરચાના નેજા તળે એક
હોવાનો દાવો અને દેખાડો કરતા રહે છે. ખરેખર તો વિવિધ વિરોધપક્ષો વચ્ચે એકમત અને એકસૂરના
સ્પષ્ટ અભાવે વિપક્ષી મોરચાને સતત નબળો પાડયો છે. એક તરફ કોંગ્રેસ અને રાહુલ ગાંધી
પોતે જ વિપક્ષનું નેતૃત્વ સંભાળવા સક્ષમ હોવાની છાપ ઊભી કરવા મથતા રહે છે, તો બીજી
તરફ મમતા, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ જેવા નેતા પોતાની તાકાત બતાવવાની કોઇ તક જતી
કરતા નથી. ખાસ તો મમતા તેમનાં અકળ અને આક્રમક વલણને લીધે કેન્દ્ર સરકારની સાથોસાથ વિપક્ષી
મોરચાની સામે પણ નિશાન સાધીને પોતાની તાકાત હોવાનું બતાવવાની ટેવ છોડતાં નથી.