ધર્મશાલા, તા. 26 : આઈપીએલની મંગળવારે રમાયેલી
પહેલી ક્વોલિફાયર મેચમાં બેંગ્લોરે ગુજરાતને 92 રને હાર આપી સતત બીજી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. રજત પાટીદારની
93 રનની અણનમ ઈનિંગ્સ અને બોલરોના
ઉત્કૃષ્ટ પ્રદર્શનનાં બળે 255 રનનાં લક્ષ્યને
આંબવા મેદાને પડેલી ગુજરાતની ટીમ 19.3 ઓવરમાં 162 રન બનાવી
ઓલઆઉટ થઈ હતી. જીટી હવે બીજી ક્વોલિફાયર મેચ રમશે અને ફાઈનલમાં પહોંચવા પ્રયાસ કરશે.
જીતના ઈરાદે મેદાને ઊતરેલી ગુજરાત ટાઈટન્સ વતી રાહુલ તેવતિયાએ 43 દડામાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે સર્વાધિક 68 રન બનાવ્યા હતા, જ્યારે બટલરે
29, તો સાઈ સુદર્શને 14 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન
માત્ર 2 રન કરી પરત ફર્યો હતો. અન્ય તમામ બેટધરો
નિષ્ફળ રહ્યા હતા. બેંગ્લોર વતી ડફીએ 4 ઓવરમાં 39 રન આપી
3 વિકેટ ખેરવી હતી, જ્યારે ભૂવનેશ્વર, રસિખ
સલામ અને કુણાલ પંડયાને 2-2 વિકેટ,
તો હેજલવુડને 1 વિકેટ સાંપડી હતી. અગાઉ કેપ્ટન રજત પાટીદારની
માત્ર 33 દડામાં 9 છગ્ગા અને પ ચોગ્ગાથી 93 રનની અણનમ-આતશી ઇનિંગ્સની
મદદથી ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધની કવોલિફાયર-1 મેચમાં આરસીબીએ પ વિકેટે 2પ4 રનનો મોટો
સ્કોર બનાવ્યો હતો, જે આઇપીએલ પ્લેઓફ રાઉન્ડનો સૌથી વધુ ટીમ ટોટલ છે. આરસીબીએ પાવરપ્લેની
6 ઓવરમાં 76 રન કર્યા હતા અને છેલ્લી
6 ઓવરમાં પાવરહિટિંગ કરીને 114 રન ઝૂડયા હતા. આથી ટાઈટન્સને
ફાઇનલમાં પહોંચવા 2પપ રનનું
કઠિન વિજય લક્ષ્ય મળ્યું હતું. આરસીબીએ આક્રમક શરૂઆત બાદ વૈંકટેશ અય્યરની વિકેટ ગુમાવી
હતી. તે 7 દડામાં 19 રને આઉટ થયો હતો. આ પછી કોહલી
અને પડીક્કલ વચ્ચે બીજી વિકેટમાં 38 દડામાં 72 રનની ઝડપી
ભાગીદારી થઇ હતી. જો કે, કોહલી 43 અને પડીક્કલ
30 રને ઉપરાઉપરી આઉટ થતાં ટાઈટન્સને
વાપસીની તક મળી હતી, પણ ખરાબ ફિલ્ડિંગ અને દિશાવિહીન બોલિંગને લીધે આરસીબી કપ્તાન પાટીદાર
અને કુણાલ પંડયાએ રન રફતાર વધારી દીધી હતી. આ બન્ને વચ્ચે 47 દડામાં 9પ રનની ભાગીદારી થઇ હતી. કુણાલે 28 દડામાં પ ચોગ્ગા-2 છગ્ગાથી આક્રમક 43 રન કર્યા હતા. અંતમાં જિતેશ
શર્મા (1પ) અને પાટીદાર વચ્ચે 12 દડામાં 40 રનની અતૂટ ભાગીદારીથી આરસીબીનો
સ્કોર 2પ4 રને પહોંચી ગયો હતો. પાટીદારના બે કેચ પડતા મૂકવા ટાઈટન્સને
મોંઘા પડયા હતા. રબાડા અને હોલ્ડરે 2-2 વિકેટ લીધી હતી.