ગોલ (શ્રીલંકા) તા.7 : શ્રીલંકા વિરૂદ્ધની બીજી ટેસ્ટના આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના
સ્ટાર બેટર સ્ટીવન સ્મિથે કેરિયરની 36મી સદી ફટકારી એકથી વધુ વિક્રમો રચ્યા છે. વર્તમાન ક્રિકેટર
તરીકે સૌથી વધુ સદીના જો રૂટના રેકોર્ડની સ્મિથે બરાબરી કરી છે. રૂટના ખાતામાં પણ 36 સદી છે. આ ઉપરાંત સ્મિથે 36મી સદી ફટકારી ભારતના પૂર્વ મહાન બેટધર
રાહુલ દ્રવિડની પણ બરાબરી કરી છે. સ્મિથે પાછલી 8 ટેસ્ટ ઇનિંગ્સમાં ચોથી સદી કરી છે. ભારત સામે બ્રિસબેન ટેસ્ટમાં
101, મેલબોર્નમાં 140, શ્રીલંકા સામે પહેલા ટેસ્ટમાં
141 અને હવે આજે બીજી ટેસ્ટમાં
અણનમ 120 રનની ઇનિંગ્સ રમી છે. વર્તમાન
ખેલાડીઓમાં ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સનના ખાતામાં 33 અને ભારતના વિરાટ કોહલના નામે 30 સદી છે. કેપ્ટનના રૂપમાં સ્મિથની આ 17મી અને એશિયામાં 7મી સદી છે. એશિયામાં તે સૌથી વધુ સદી મામલે
એલન બોર્ડર (6)થી આગળ થયો છે.