નવી દિલ્હી, તા.
5 : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીના બીજા મેચમાં શ્રીલંકાએ 32 રને
જીત નોંધાવી હતી. આ સાથે જ મેજબાન ટીમ શ્રેણીમાં 1-0થી આગળ થઈ છે. આ મેચમાં શ્રીલંકન
ટીમની જીતનો હીરો જેફ્રી વેંડરસે રહ્યો હતો. જે એક દિવસ પહેલા સ્ક્વોડનો હિસ્સો નહોતો.
જેફ્રીની ટીમમાં એન્ટ્રી મેચના દિવસે જ થઈ હતી. સવારે ટીમમાં આવ્યા બાદ રાત્રે જેફ્રી
ટીમ ઇન્ડિયા ઉપર કહેર બનીને વરસી પડયો હતો. જેફ્રીએ ભારત સામેના બીજા વન ડેમાં છ વિકેટ
લીધી હતી અને જીતમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેફ્રીને મેચમાં પ્લેયર ઓફ ધ
મેચ એવોર્ડ મળ્યો હતો. 34 વર્ષીય જેફ્રીને શ્રીલંકન ટીમમાં ઈજાગ્રસ્ત વાનિંદુ હસરંગાના
સ્થાને જગ્યા મળી હતી. શ્રીલંકા ક્રિકેટે ચાર ઓગસ્ટે જ હસરંગા શ્રેણીમાંથી બહાર થયો
હોવાનું એલાન કર્યું હતું. બોર્ડે કહ્યું હતું કે, વાનિંદુ હસરંગા ભારત સામેના બાકીના
મેચમાંથી બહાર થયો છે, કારણ કે તેને ઈજા પહોંચી છે. હસરંગાની જગ્યાએ ટીમમાં જેફ્રી
વેંડરસેને સામેલ કરવામાં આવ્યો છે. 2015માં શ્રીલંકા માટે ડેબ્યૂ કરનારા જેફ્રીએ 1
ટેસ્ટ, 22 વનડે અને 14 ટી20 મુકાબલા રમ્યા છે. ભારત સામેના મુકાબલા પહેલા અંતિમ વન
ડે વર્ષની શરૂઆતે ઝિમ્બાબ્વે સામે રમ્યો હતો. જો કે શરૂઆતી કારકિર્દીમાં નિયમિત વિકેટ
ન લઈ શકતા ટીમમાં રેગ્યુલર ખેલાડી બની શક્યો નહોતો.