નવી દિલ્હી, તા. 28 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ છેલ્લા એક વર્ષમાં વિશ્વભરમાં અફરાતફરી
સર્જી દીધી છે. હવે, ટ્રમ્પે ફરી
એકવાર ઈરાનને મોટા હુમલાની ધમકી આપી હતી. એક મીડિયા હેવાલ મુજબ, ટ્રમ્પે કહ્યું હતું કે, એક વિશાળ નૌકાદળનો કાફલો ઝડપથી
ઈરાન તરફ તાકાત, ઉત્સાહ અને સ્પષ્ટ હેતુ સાથે આગળ વધી રહ્યો છે,
જે વેનેઝુએલા મોકલવામાં આવેલા કાફલા કરતાં મોટો છે. વેનેઝુએલાની જેમ,
આ કાફલો સંપૂર્ણપણે સક્ષમ છે અને જો જરૂર પડે તો તે ખૂબ જ ઝડપથી અને
બળપૂર્વક પોતાના મિશનને પાર પાડવામાં અચકાશે નહીં. વધુમાં કહ્યું હતું કે, મેં
પહેલાં પણ ઈરાનને સોદો કરવા કહ્યું હતું, પણ તેમણે એવું ન કર્યું.
તેનું પરિણામ ઓપરેશન મિડનાઈટ હેમર હતું, જેમાં ઈરાને ભારે વિનાશ
સહન કરવો પડ્યો હતો. આગામી હુમલો વધુ વિનાશક હશે. આવું ફરી ન થવા દો. આશા છે કે ઈરાન
ટૂંક સમયમાં વાટાઘાટો કરશે તથા એક ન્યાયી અને સંતુલિત કરાર કરશે, જે પરમાણુ શસ્ત્રો વિના, બધા પક્ષો માટે ફાયદાકારક હોય.
સમય પૂરો થઈ રહ્યો છે અને પરિસ્થિતિ એક નિર્ણાયક તબક્કે છે. નોંધનીય છે કે,
ટેરિફથી લઈને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની મધ્યરાત્રિએ તેમના
નિવાસસ્થાનથી ઉઠાવવા જેવ નિર્ણયોએ દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે.