ગાંધીધામ, તા. 28 : દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા
તુણા આસપાસ વિસ્તારમાં પોર્ટની માલિકીની જમીનમાં
ચારેક દિવસથી દબાણ હટાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે આજે નાના નમક ઉત્પાદકોનાં
સંગઠન દ્વારા કાર્યવાહી સંદર્ભે ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. આ મામલે પોર્ટ પ્રશાસન દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં
આવ્યો હતો. ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘને પાઠવાયેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે કચ્છના અંજાર,
ગાંધીધામ અને ભચાઉના દરિયાઈ વિસ્તારમાં ત્રણથી ચાર દાયકાથી અગરિયાઓ મીઠું
પકવીને ગુજરાન ચલાવી રહ્યા છે. પોર્ટ પ્રશાસન દ્વારા કોઈ પણ પૂર્વ નોટિસ કે સર્વે વિના અગરો તોડવાની કામગીરીની ગંભીર અસરો ઊભી થઈ હોવાનું
પત્રમાં જણાવાયું છે. આ કાર્યવાહીથી
પ્રત્યક્ષ હજારો અગરિયા પરિવારો અને
પરોક્ષ રીતે હજારો પરિવહનકારો બેરોજગાર બનવાની ભીતિ છે. હાલ મીઠાનાં ઉત્પાદનની સિઝન મધ્યમાં છે. હાલ અગરો
તોડવાથી તૈયાર કરાયેલો કાચો માલ નાશ પામશે અને અગરિયાઓને મોટી નુકસાની થશે તેવી ભીતિ પત્રમાં વ્યકત કરાઈ
છે. પોર્ટ દ્વારા દબાણ હટાવવા માટે 36 કરોડનું ટેન્ડર બહાર પાડઠવામાં આવ્યું છે. જો અગરિયાઓને જુલાઈ સુધીની મુદત આપવામાં આવે તો પોતાની મશીનરીથી સ્વખર્ચે જમીન ખાલી કરી દેશે તેવી
બાંહેધરી આપવામાં આવી હતી, જેથી સરકારી તિજોરીનાં નાણાં પણ બચશે. પત્રમાં
વધુમાં જણાવાયું હતું. કે, આ જમીન ઉપર કોઈ પાકાં બાંધકામ નથી.
માત્ર માટીના પાળા છે, તેનો ઉપયોગ દરિયાનું પાણી પહોંચાવડવા માટે કરવામાં આવે છે. દેશની મીઠાંની
રિફાઈનરીઓ આ અગરો ઉપર નિર્ભર છે. જો ઉત્પાદન અટકશે તો દેશભરમાં રિફાઈન મીઠાંની અછત અટકશે અને ગરીબોને
રેશનિંગમાં મળતા મીઠાંના પુરવઠાને અસર પડશે
તેવું પત્રમાં જણાવાયું છે. નમક ઉત્પાદકો દ્વારા કામગીરી સ્થગિત રાખવા, અગરિયાઓને ચાલુ સિઝનનો પાક લેવા જુલાઈ સુધીનો સમય આપવા અને કાર્યવાહી પહેલાં રાજ્યના ડીઆઈએલઆર દ્વારા સીમાંકન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી
હતી. ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘે નમક ઉત્પાદકોની રજૂઆત સાંભળીને હાલ દબાણ
હટાવવાની કાર્યવાહી સ્થગિત કરવાની અને
જુલાઈ મહિના સુધીની મુદત આપી હોવાનું કચ્છ
સ્મોલ સ્કેલ એસોસીએશનના પ્રમુખ બચુભાઈ આહીરે
જણાવ્યું હતું. રજૂઆત વેળાએ બહોળી સંખ્યામાં
નમક ઉત્પાદકો જોડાયા હતા.