• ગુરુવાર, 29 જાન્યુઆરી, 2026

બનાવટી ડિટેઈન મેમાનો આરોપી ઝડપાયો

ભુજ, તા. 28 : વધુ રૂપિયા ભરવા ન પડે તે માટે દયાપર પોલીસ મથકના સહી-સિક્કાવાળો બનાવટી ડિટેઈન મેમો બનાવી આરટીઓ કચેરીએ ભરી વાયોર પોલીસમાં વાહન છોડવા રજૂ કરતાં ઓછાં નાણાં ભરાયાંની પોલીસને શંકા જતાં છાનબીનમાં બનાવટી ડિટેઈન મેમાનું ભોપાળું બહાર આવ્યાના આ ચકચારી બનાવમાં આરોપીના આગોતરા  નામંજૂર  થતાં તેને રાજસ્થાનથી વાયોર પોલીસ ઝડપી લાવી છે. તેની પૂછતાછમાં આરટીઓ સંકુલમાં તેના મદદગારો પર પણ આગામી દિવસોમાં તવાઈ આવવાના ભણકારા વાગી રહ્યા છે. આ ચર્ચાસ્પદ કેસના આરોપી રાવલ ઉર્ફે રાહુલ મીસરી જત (રહે. હોથીયાય, તા. અબડાસા)એ અટકથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે રદ થયા બાદ આ આરોપી નાસતો-ફરતો હતો. વાયોર પોલીસને આરોપી અજમેર-રાજસ્થાન જતો હોવાની બાતમીના આધારે વાયોર પોલીસ મથકના ઈન્ચાર્જ  પી.આઈ. કે.વી. ડાંગર, એ.એસ.આઈ. રવીન્દ્રસિંહ એલ. સોઢા, કોન્સ. પ્રકાશભાઈ ચૌધરી, પેરોલ ફર્લો સ્કવોડ-ભુજના કોન્સ. બલવંતસિંહ જાડેજાની ટીમ પીપરાળા ચેકપોસ્ટ ખાતે જઈ રાજસ્થાન બાજુ જતી ખાનગી ટ્રાવેલ્સની ચેકિંગમાં આરોપી રાવલ ઉર્ફે  રાહુલને રાઉન્ડઅપ કરી વાયોર પોલીસ મથકે લાવી તેની ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલ તા. 29/1ના તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ બનાવટી મેમો બનાવવામાં કેણે મદદગારી કરી છે ? તથા આ મેમો કયાં અને કોની પાસેથી બનાવ્યો છે? પૂછીને તે દિશામાં તપાસ આદરાશે. આમ ડિટેઈન વાહનમાં વધુ નાણા ન ભરવા પડે તે માટે ચાલતાં આ ભોપાળાંમાં અનેકપર તવાઈ આવવાના ભણકારા વાગી રહ્યા છે. લખપત તાલુકાથી પગેરું દબાવીને છેક આરટીઓ સંકુલ સુધી તેનો રેલો આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. 

Panchang

dd