• ગુરુવાર, 29 જાન્યુઆરી, 2026

ગાંધીધામમાં ગાંજાના જથ્થા સાથે દુકાનદારની ધરપકડ

ગાંધીધામ, તા. 28 : શહેરના કાર્ગો પી.એસ.એલ. કંપની પાછળ આંબેડકરનગર વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં ગાંજો વેચતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. તેના પાસેથી રૂા. 23,900નો 478 ગ્રામ જથ્થો જપ્ત કરાયો હતો. શહેરના કાર્ગો ઝૂંપડપટ્ટીમાં ગઈકાલે રાત્રે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં નામ વગરની કરિયાણાની દુકાનમાં ગાંજો વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં આવી પહોંચી હતી. દુકાનદાર ગુડ્ડુ  વાનાસુર પાસવાન નામના શખ્સને પકડી પાડી તેને સાથે રાખી દુકાનની તપાસ કરવામાં આવી હતી. દુકાનમાં લાકડાના ખાનામાંથી પ્લાસ્ટિકના ઝબલાં (થેલી) મળી આવ્યાં હતાં, જેમાંથી લીલા રંગનો ભીનો, સુકો, બી, ડાળખાં સાથેનો માદક પદાર્થ મળી આવ્યો હતો. આ શખ્સ પાસેથી રૂા. 23,900નો 478 ગ્રામ ગાંજો તથા પોતાના ગ્રાહકોને વજન કરીને માદક પદાર્થ આપવા વજન કાંટો, રોકડ રૂપિયા, મોબાઈલ, 24 નાની થેલી મળીને કુલ રૂા. 32,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ શખ્સની પૂછપરછ કરાતાં તેણે 20 દિવસ પહેલાં મૂળ બિહારના દિલીપ જુગેશ્વર પાસવાન નામના શખ્સ પાસેથી માદક પદાર્થ વેચાતો લીધો હોવાનું બહાર આવ્યું હતું. હાથમાં ન આવેલા દિલીપને પકડી પાડવા પોલીસે દોડધામ આદરી છે. કાર્ગો વિસ્તારમાં, ખોડિયારનગર, સુંદરપુરી વિગેરે વિસ્તારોમાં માદક પદાર્થો વેચાઈ રહ્યા છે. તેવામાં પોલીસે કાર્યવાહી કરીને એક શખ્સને પકડી પાડયો હતો. 

Panchang

dd