રાપરમાં મારા પપ્પાની ઠંડાપીણાં અને પાનની દુકાન. 2001નો એ ભૂકંપનો દિવસ ખરેખર કચ્છ
માટે મહાઆઘાતી હતો. હજુ તો કંડલાના વાવાઝોડાંની મુસીબતમાંથી બહાર નીકળ્યા નહીં કે કચ્છની
ધરતીએ હિલોળા લીધા. જ્યાં જુઓ ત્યાં રોકકળ અને કાટમાળોના ઢગલા જોવા મળે. દરેકના કોઈ
ને કોઈ સ્વજનનાં મૃત્યુના સમાચાર મળતાં જ હતા અને મારા પણ દાદી મૃત્યુ પામ્યાં હોવાના
સમાચારે અમને દુ:ખી કરવામાં કચાશ ન રાખી. અમારા દુકાન-મકાન પડયા ન હોવાથી ચાર બહેનો
અને મમ્મી-પપ્પા સ્વસ્થ હતા. મારા પપ્પાએ તો બધું અમારી દુકાનના સામાનનું વિતરણ જરૂરિયાતમંદોને
કરી દીધેલું. દરરોજનું કમાઈને ખાતાં હોય એવી
વસ્તીમાં કોઈપણ ગરીબ ભૂખ્યું ન રહે તે માટે તેમણે બે ટાઈમ ભોજન પહોંચાડવાની સેવા મહિનાઓ
સુધી કરેલી. પોતે કોઈ દિવસ હાથલારી ન ચલાવી હોવા છતાં ભૂખ્યાઓને જમાડવા હાથલારી પર
ભોજન લઈને પહોંચાડતા. ન ઘરની ચિંતા કરી કે ન ધંધાની. કરુણાભાવે શરૂ થયેલી પપ્પાની સેવા
આજે પણ ચાલુ છે. હવે અમે ભુજ રહેવા આવી ગયા છીએ તો માનવજ્યોત સંસ્થામાં પપ્પા (કાંતિલાલભાઈ)
ગરીબોની સેવા કરે છે. ભૂકંપે અમને સૌને શીખવ્યું કે,
આફત આવે ત્યારે એકબીજાની મદદથી જ તેને મહાત આપી શકાય. ખાલી હાથે આવ્યા
હતા અને કેટલાય આ ઘટનામાં ખાલી હાથે ચાલ્યા ગયા. બચશે તો કરેલી સેવા! (માધાપર રહેતાં ગૃહિણી કિંજલબેન
ખંડોરે તેમના પિતાએ ભૂકંપ સમયે કરલી સેવાની વાત રજૂ કરી છે.