હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 28 : અત્યાર સુધી દર વર્ષે ચોમાસાં દરમ્યાન તૂટી જતા રોડ-રસ્તાઓના
સમારકામ કે તેને નવા બનાવવા માટે નગરપાલિકાઓને ગુજરાત સરકારની મંજૂરી મેળવવી ફરજિયાત
હતી અને તે માટે લાંબી વહીવટી પ્રક્રિયાની રાહ જોવી પડતી હતી. તે દરમ્યાન પાલિકા વિસ્તારના
લોકો-વાહનચાલકોને અવારનવાર તકલીફોનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે ગુજરાત સરકારે આવા તૂટી ગયેલા કે
ખખડધજ થઈ ગયેલા રોડ-રસ્તા રિપેર કરવા કે તેને નવા બનાવવા માટેની સંપૂર્ણ સત્તા નગરપાલિકાઓને
આપવાનું નક્કી કર્યું છે. જો કે, હવે તેની સત્તાવાર જાહેરાત અને
આ માટે આવશ્યક નાણાકીય જોગવાઈ-ગ્રાન્ટની ફાળવણીની ઘોષણા 17મી ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ થનારા
રાજ્ય સરકારનાં નવાં વર્ષ 2026-27 માટેનાં
વાર્ષિક બજેટમાં કરાય તેવી શક્યતા નકારી શકાતી નથી અર્થાત હવે, ગુજરાત સરકાર રાજ્યમાં `નગરપાલિકા શાસન'ને વધુ મજબૂત કરવા માટે રસ્તાઓના પુન:નિર્માણની
સત્તા સીધી નગરપાલિકાઓને સોંપવાનું વિચાર કરી રહી છે. જેના કારણે રસ્તાનાં કામોમાં
થતો સરકારી વિલંબ ઘટશે. `નગરપાલિકાના
રસ્તા, નગરપાલિકાના નિર્ણય'થી
સ્થાનિક નેતાગીરીની જવાબદારી વધશે. વર્ષ 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવી રહેલી ગુજરાત સરકારનો આ સંભવિત
નિર્ણય નગરપાલિકાઓને ખરા અર્થમાં `સ્થાનિક સ્વરાજ'ની સંસ્થા બનાવશે. આમ તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
`સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ
યોજના' હેઠળ વર્ષ 2025-26નાં બજેટ અને ચોમાસાંનાં આયોજનના
ભાગરૂપે રાજ્યની 149 નગરપાલિકા
માટે કુલ 107 કરોડની ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી
આપી હતી, જેથી ચોમાસાંમાં ભારે વરસાદને કારણે તૂટી ગયેલા
રસ્તાઓનું તાત્કાલિક રિપારિંગ અને રિસર્ફાસિંગ કરી શકાય. આમ, ગુજરાત સરકારનો આ નિર્ણય સંપૂર્ણપણે નવો નથી, પરંતુ તેની
પદ્ધતિ અને સત્તાની મર્યાદામાં મોટો ફેરફાર કરવા અંગેનો છે. અગાઉ પણ સરકાર ચોમાસાં
પછી રસ્તા માટે વિશેષ પેકેજ આપતી હતી, પરંતુ તેની પ્રક્રિયા જટિલ
હતી. ગુજરાતમાં હાલમાં કુલ 149 નગરપાલિકા કાર્યરત છે. જેમને વસતી અને ભૌગોલિક વિસ્તારના આધારે
એ, બી, સી અને ડી એમ ચાર
શ્રેણીમાં વહેંચવામાં આવી છે. અત્યાર સુધી આ ચારેય વર્ગની નગરપાલિકાઓ પાસે મર્યાદિત
નાણાકીય સત્તા હતી. મોટા ભાગના રસ્તાનાં કામો માટે તેમને ગાંધીનગરથી `ટેકનિકલ' અને `વહીવટી'
મંજૂરી મેળવવી પડતી હતી. વર્ષ 2025 દરમ્યાન કરાયેલા સુધારા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પાલિકાઓની નાણાકીય
સત્તામાં 50 ટકાનો વધારો
જરૂર કર્યો હતો અને તે મુજબ, અ વર્ગની
પાલિકાને રૂા. 70 લાખ સુધીનાં
કામો જાતે મંજૂર કરવાની સત્તા અપાઈ હતી.