• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

અફઘાનિસ્તાને વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પડશે

કિંગ્સટાઉન, તા. 24 : પાછલા મેચમાં ઓસ્ટ્રેલિયા સામેની જીતથી ઉત્સાહિત અફઘાનિસ્તાન ટીમે ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડની છેલ્લી મેચમાં અતિ આત્મવિશ્વાસથી બચવું પડશે. અફઘાનિસ્તાને ગત શનિવારે પહેલીવાર ઓસ્ટ્રેલિયાને હાર આપીને તેની સેમિ ફાઇનલની આશા જીવંત રાખી છે. જો કે રશિદ ખાનની ટીમ બાંગલાદેશ સામે મેચ પહેલાં એ દુઆ કરતી રહેશે કે ભારત સામે ઓસ્ટ્રેલિયાનો પરાજય થાય. ગ્રુપ વનમાં ભારત સેમિની રેસમાં સૌથી આગળ છે. ઓસ્ટ્રેલિયાની રનરેટ અફઘાનિસ્તાનથી સારી છે. જો તે ભારતને હાર આપશે તો તેની સેમિ ફાઇનલમાં પહોંચવાની સંભાવના વધી જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચનું પરિણામ જે પણ આવે, પણ અફઘાનિસ્તાનની કોશિશ બાંગલાદેશ સામે મોટી જીત હાંસલ કરવાની હશે.  અફઘાનિસ્તાને બતાવી દીધું છે કે તે મોટી ટૂર્નામેન્ટમાં દબાણમાં રમતી નથી. તેના ખેલાડીઓમાં માનસિકતા અને કૌશલ બન્ને છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સર્વાધિક રન કરનાર ઓપનિંગ બેટર રહમાનુલ્લાહ ગુરબાજ અને ઇબ્રાહિમ ઝારદાને તેમની આક્રમક બેટિંગથી પ્રભાવિત કર્યાં છે. આ બન્ને પાસેથી બાંગલાદેશ સામે પણ આવાં જ પ્રદર્શનની ટીમને આશા રહેશે. અફઘાન ટીમમાં ઘણા ઓલરાઉન્ડર છે. જેમને અહીંની પરિસ્થિતિનો ફાયદો મળ્યો છે. બાંગલાદેશ સામે અફઘાનનો સામનો એ જ મેદાન પર થશે જેના પર તેણે ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી. બીજી તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની હારથી બાંગલાદેશ ટીમ સેમિ ફાઇનલ રેસની બહાર થઈ ચૂકી છે. આ ટીમને સારા પાવર હિટરની ખોટ પડી રહી છે. ઓપનર તંજિમ ખાન અને લિટન દાસના ખરાબ પ્રદર્શનથી ટીમને નુકસાન થયું છે. બેટર તૌહિદ હ્યદય અને સ્પિનર રિશાદ હુસેને પ્રભાવિત કર્યા છે. અનુભવી ઓલરાઉન્ડર શકિબ અલ હસનનો કદાચ આ અંતિમ વિશ્વ કપ બની શકે છે. તે ક્ષમતા મુજબનો દેખાવ કરી શક્યો નથી. બાંગલાદેશની નજર આખરી મેચમાં જીત સાથે ટી-20 વિશ્વ કપની સફર સમાપ્ત કરવા પર હશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang