અમદાવાદ, તા. 19 (અમારા
પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહિનામાં લગભગ બીજીવાર
દિલ્હી પહોંચ્યા છે. વાસ્તવમાં અગાઉ સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડે.સી.એમ. હર્ષ સંઘવી
અને ભાજપ પ્રદેશ પ્રમુખ 13 ડિસેમ્બરે સાંજે દિલ્હી ગયા હતા.
જો કે, હવે
ફરી એકવાર સીએમ દિલ્હી પહોંચ્યા હોઈ અનેક અટકળોને વેગ મળ્યો છે. આ તરફ સરકારે
સત્તાવાર રીતે જણાવ્યું છે કે, સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા ગયા છે. જો કે, આ કાર્યક્રમની વચ્ચે તેઓ અમિત શાહ અને ભાજપના નવા અધ્યક્ષને પણ મળે તેવી
શક્યતાઓ જોવાઇ રહી છે. અહીં નોંધવું ઘટે કે, ગુજરાત ભાજપ
પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ શપથગ્રહણ કર્યા બાદ હવે ટૂંક સમયમાં
સંગઠનાત્મક ફેરફારો જોવા મળી શકે છે. અગાઉ સી.એમ., ડે.સી.એમ.
અને પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જ્યારે દિલ્હી ગયા હતા ત્યારે પણ સંગઠનાત્મક
ફેરફારોનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. જો કે, હવે ફરી એકવાર
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી મુલાકાતે હોઇ આ વાતને વધુ વેગ મળ્યો
છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં પૂર્વ નિર્ધારિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
મુખ્યમંત્રી દિલ્હીમાં યોજાનારા ક્રેડાઈના કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે, જ્યાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો સાથે ચર્ચા થવાની
સંભાવના છે. આ કાર્યક્રમ દરમિયાન વિકાસ અને રોકાણને લઈને મહત્ત્વના મુદ્દાઓ પર
ચર્ચા થઈ શકે છે. દરમિયાન ભાજપના વર્તુળોમાં એક ચર્ચા એવી છે કે, પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનો
સાથે બેઠક કરે તેવી શક્યતા છે. આ બેઠકમાં સંગઠનાત્મક તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય
સ્તરના રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થવાની ધારણા છે. જો કે, હજી
સુધી આ અંગે કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી.