• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

ગુજરાતમાં 74 લાખ મતદારનાં નામ રદ

અમદાવાદ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં 27મી, ઓક્ટોબર 2025થી શરૂ કરવામાં આવેલી મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ-એસઆઈઆર (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવેલી ગણતરીના તબક્કાની કામગીરી બાદ 19મીના શુક્રવારે મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં 73.73 લાખ મતદારનાં નામ રદ કરાયાં છે. અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા, બે જગ્યાએ મતદાર તરીકે નેંધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યા હતા. આ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા પહેલાં રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા. આ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી છે, એટલે કે, એસઆઈઆરની ઝુંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોનાં નામ મુસદ્દા મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે, જેમાં, અવસાન પામેલા મતદારો- 18,07,278, ગેરહાજર મતદારો- 9,69,662, કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો - 40,25,553, બે જગ્યાએ નોંધાયેલા મતદારો- 3,81,470 અને અન્ય- 1,89,364 મતદારો હતા. આ યાદી જાહેર થતાં રાજકીય વિવાદ સર્જાવાની શક્યતા છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, હવે 18મી જાન્યુઆરી, 2026 સુધીમાં જે મતદારો મતદારયાદીમાં પોતાનાં નામ સમાવવા અથવા મતદારયાદીમાંથી નામ બાકાત થવા સંબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. ત્યારબાદ 10મી, ફેબ્રુઆરી, 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે-સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 33 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી અધિકારી, 50,963 ઇકઘ, 54,443 ઇકઅ, 30,833 જેટલા સ્વયં સેવકોની સક્રિય સહભાગિતા રહી છે. પરિણામ સ્વરૂપ, નિયત સમય મર્યાદામાં બીએલઓની કામગીરી પૂર્ણ કરી શકાઈ છે. જેમાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 4,34,70,109  મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા છે. આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે.

Panchang

dd