• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

આજે જાહેર થશે ટી-20 વિશ્વ કપની ભારતીય ટીમ

મુંબઇ, તા. 19 : આવતા વર્ષે 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા ટી-20 વિશ્વ કપની ભારતીય ટીમ શનિવારે જાહેર થશે. અજિત અગરકરના વડપણ હેઠળની પસંદગી સમિતિ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ટી-20 શ્રેણીની અને વન-ડે ટીમ પણ સાથોસાથ જાહેર કરશે. અગરકર અને કપ્તાન સૂર્યકુમાર યાદવ શનિવારે બપોરે 1-30 કલાકે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેશે. ટી-20 વિશ્વ કપની ભારતીય ટીમમાં કોઇ પ્રયોગને અવકાશ જણાતો નથી. સૂર્યકુમાર કપ્તાન જ હશે અને શુભમન ગિલ પણ ટીમમાં હશે અને ઉપકપ્તાન પદે રહેશે એમ મનાય છે. કપ્તાન અને ઉપકપ્તાન હાલ આઉટ ઓફ ફોર્મ છે. આમ છતાં પસંદગીકારો તેમના પર કોઇ કાપકૂપ ઇચ્છતા નથી. ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ અગાઉ ઘરઆંગણે તા. 11 જાન્યુઆરીથી કિવીઝ ટીમ વિરુદ્ધ 3 મેચની વન -ડે અને પ મેચની ટી-20 શ્રેણી રમશે. વન-ડે શ્રેણીની બીજી મેચ રાજકોટમાં તા. 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ પર્વ પર રમાવાની છે. આઇસીસીની વર્લ્ડકપ ટીમના 1પ ખેલાડી જાહેર કરવાની 20 ડિસેમ્બર અંતિમ તારીખ છે. બાદમાં કોઇ નક્કર કારણોસર ટીમમાં ફેરફાર કરવાની છૂટ હોય છે. આ માટે આઇસીસીની મંજૂરી લેવી પડે છે. ભારતીય ટીમમાં રિઝર્વ ઓપનર તરીકે સંજૂ સેમસન, યશસ્વી જયસ્વાલ અને ઇશાન કિશન રેસમાં છે. ઇશાને મુશ્તાક અલી ટ્રોફીમાં જબરદસ્ત દેખાવ કર્યો છે. ફાઇનલમાં 10 છગ્ગાથી સદી કરી તેની ટીમ ઝારખંડને ચેમ્પિયન બનાવી હતી. આમ છતાં તેને અને યશસ્વીને વિશ્વ કપ ટીમમાં તકની સંભાવના ઓછી છે. સેમસન રિઝર્વ ઓપનર તરીકે પસંદ થઇ શકે છે. રિપોર્ટ અનુસાર મિડલ ઓર્ડરમાં રિંકુ સિંહની અને ઝડપી બોલિંગ મોરચે મોહમ્મદ સિરાઝની જગ્યા બનતી નથી.

ટી-20 વિશ્વ કપની ભારતની સંભવિત ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ ( વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડયા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંઘ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજૂ સેમસન (વિકેટકીપર) અને વોશિંગ્ટન સુંદર.

Panchang

dd