ભચાઉ, તા. 19 : આડેસર
પોલીસ ચેકપોસ્ટ પાસેથી પોલીસે ટ્રકનાં ચોરખાનાંમાંથી દારૂ શોધી કાઢયો હતો. રૂા. 80,280નો આ દારૂ મોરબી જવાનો હતો. આડેસર ચેકપોસ્ટ પર આજે
બપોરે પોલીસ વાહન ચેકિંગમાં હતી. દરમ્યાન ટ્રક નંબર આરજે-19-જીઇ-7358 આવતાં
તેને રોકાવાઇ હતી. ટ્રકના ઠાંઠામાં જોવાતાં ચાઇનાક્લે (માટી) ભરેલી હતી, જ્યારે આગળ-પાછળના પૈડાં વચ્ચેના ભાગે બરોબર તપાસ કરતાં તેમાં ચોરખાનું મળ્યું
હતું. આ ચોરખાનાંમાંથી રોયલ સ્ટેગની 47 બોટલ, ઓલ્ડ મોન્કની 3, બ્લેન્ડર્સ
પ્રાઇડની 3, મહારાણી મહાન સર શાહી ગુલાબની
3 તથા બડવાઇઝરના 18 અને
કિંગ ફિશરના 4 નંગ બિયરના ટીન એમ કુલ રૂા. 80,280નો શરાબ જપ્ત કરાયો હતો. પકડાયેલા ટ્રકચાલક પુખરાજ
ઉમેદારામ જાટ (ચૌધરી)ની પૂછપરછ કરતાં આ માલ મોરબીના જાવેદ નામના શખ્સે મગાવ્યો હોવાનું
બહાર આવ્યું હતું. આ દારૂ તે નાગોર ધોરીમાર્ગ ઉપર આવેલા દારૂના જુદા-જુદા ઠેકાઓ પરથી
ખરીદી કરીને લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.