• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

ગાંધીધામના ગુરુકુલ રોડના ગેટ પાસે વીસીએલએ ફરી પાણીની લાઈન તોડી નાખી

ગાંધીધામ, તા. 19 : ગાંધીધામના ટાગોર રોડથી ગુરુકુળ તરફ જતા માર્ગના ગેટ નજીક સરસ્વતી વિદ્યાલય તરફ જતા માર્ગ ના ખૂણા ઉપર કેબલ નાખવા માટેની કામગીરી સમયે પીવાના પાણીની લાઈન તોડી નાખવામાં આવતા હજારો લિટર પાણીનો વેડફાટ નવા બનતા માર્ગ ઉપર થયો હતો. લોકોને પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું મળે છે જ્યારે આવી લાઈન તોડી નાખવામાં આવે છે ત્યારે હજારો લાખો લીટર પાણી રોડ ઉપર વેડફાટ થાય છે તેવા સમયે મહાનગરપાલિકા આંખે પાટા બાંધીને મૌન રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગાંધીધામમાં પીજીવીસીએલ અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી કરે છે એ દરમિયાન મહાનગરપાલિકાની પાણી અને ગટરની લાઈનોને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ ત્યાં ગુરુકુળ ગેટ નજીક લાઈન તોડી નાખી હતી, પાણીનો વેડફાટ થયો હતો અને બસ ફસાઈ હતી. સદનસીબે ગંભીર અકસ્માત થતા બચી ગયો હતો. તેવામાં શુક્રવારે ફરી સવારના ભાગે કેબલ નાખવા માટે ડ્રિલ મશીનથી જમીન વિંધવામાં આવી રહી હતી ત્યારે પાણીની લાઈન તોડી નાખવામાં આવી હતી અને વ્યાપક પાણીનો વેડફાટ થયો હતો. ગુરુકુળ માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે. માર્ગની ગુણવત્તા ઉપર સવાલ છે. મટિરિયલ્સનો ઉપયોગ અને કામગીરી બાબતે અનેક સવાલો છે છતાં સિટી ઇજનેર સમીક્ષાની તસ્દી લેતા નથી. આ માર્ગ ઉપર પાણીની જરૂરિયાત હતી તેવા સમયે જ લાઈન તૂટી છે. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે લાઈન તોડી નાખી હતી. અવાર-નવાર તોડાતી લાઈન મુદે મહાપાલિકા દ્વારા તપાસ કરાય તે જરૂરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પીજીવીસીએલની અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલુ છે તેમાં અનેક જગ્યાએ લાઈનો તોડી નાખવામાં આવી રહી છે. ખરેખર મ્યુનિસિપલ કમિશનર અને બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોએ આ બાબતે સમીક્ષા કરવી જોઈએ અને જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ પાણીનો બગાડ કરનાર લોકો સામે કાર્યવાહી કરીને દસ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે તો પછી અહીં તો હજારો લેટર પાણીનો વેડફાટ થાય છે. દંડાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા સવાલો ઊભા થઈ રહ્યા છે.

Panchang

dd