ભચાઉ, તા. 19 : શહેરના
દુધઈ માર્ગ કસ્ટમ ચાર રસ્તા પાસે ઢાળ પર બેકાબૂ બનેલી ટ્રકે મોપેડને હડફેટે લેતાં મૂળ
કરમરિયાના હાલે ભચાઉ રહેતા વેપારી એવા ગણેશ ડાયાભાઈ છાંગા (ઉ.વ. 53)નું મોત થયું હતું. જીવલેણ બનેલા આ માર્ગ ઉપર વાહન
નીચે કચડાઈ જવાથી ત્રીજું મોત છે. શહેરના કસ્ટમ ચાર રસ્તા પાસેનો માર્ગ દબાણો સહિતની
પ્રવૃત્તિઓનાં કારણે સાંકળો બની ગયો છે. બીજી બાજુ આ માર્ગ પર અસંખ્ય ભારે વાહનો, ઓવરલોડ ડમ્પરો માતેલા સાંઢની માફક દોડતા હોય છે. આવાં બેફામ વાહનો નાગરિકો
માટે યમદૂત સમાન સાબિત થઈ રહ્યાં છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. હજુ કેટલાના
વહાલસોયા કે પિતા, ભાઈના ભોગ લેવાશે પછી જ તંત્ર પોતાની આંખો
ઉઘાડશે તેવા પ્રશ્નો લોકો કરી રહ્યા છે. આ માર્ગ પર થોડા દિવસ અગાઉ તોતિંગ વાહને છાપરામાં
ઘૂસી જતાં છાપરું તોડી નાખ્યું હતું. અગાઉ એક કેબિનમાં તોતિંગ વાહન ઘૂસી ગયું હતું.
આટઆટલા બનાવો છે તો આર.ટી.ઓ., પોલીસ ને અન્ય તંત્રોની આળસ ઊડતી
નથી. બીજી બાજુ માર્ગની આસપાસ આવેલાં દબાણો સામે પણ સમખાવા પૂરતી ક્યારેય કાર્યવાહી
કરવામાં આવી નથી, જે પણ અકળાવનારી બાબત છે. અંબિકાનગરમાં રહેતા
હતભાગી ગણેશભાઈ પોતાનું વાહન લઈને જઈ રહ્યા હતા, ત્યારે ઢાળ પર
બેકાબૂ બનેલાં તોતિંગ વાહને તેમને હડફેટે લીધા હતા, જેમાં આ આધેડ
ગંભીર રીતે ઘાવાયા હતા. તેમને સારવાર અર્થે ગાંધીધામ બાજુ લઈ જવાતાં તેમણે દમ તોડી
દીધો હતો. પાલિકા કચેરી સામે વાઘેશ્વરી સ્ટેશનરી નામની દુકાન ચલાવતા આ વેપારીનાં મોતનાં
પગલે તેમના પરિવારજનો- વેપારીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી.